પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-
ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે

 "હિંદમાંથી બ્રિટિશ અમલ ખસી જાય એવી દરખાસ્ત કરવામાં બ્રિટન કે મિત્રરાજ્યોને તેમના યુદ્ધસંચાલનના કાર્ચમાં કોઈ પણ રીતે મૂંઝવવાની કે હિંદ ઉપરના આક્રમણને ઉત્તેજન આપવાની, અથવા ચીન ઉપર જપાનનું કે ધરી રાજ્યોની બીજી કોઈ પણ સત્તાનું દબાણ વધારવાની કૉંગ્રેસની જરા પણ ઇચ્છો નથી. તેથી કરીને જપાનનું કે બીજી કોઈ પણ સત્તાનું આક્રમણ મારી હઠાવવાને તથા તેમનો સામનો કરવાને તથા ચીનના સંરક્ષણ અને સહાયને અર્થે, તેમની એવી ઇચ્છા હોય તો, મિત્રરાજ્યો પોતાનાં સૈન્ય અહીં રાખે એમાં કૉંગ્રેસને કશો વાંધો નથી.

“ તેથી કરીને કૉંગ્રેસ જોકે પોતાનું રાષ્ટ્રીય ધ્યેય પ્રાપ્ત કરવાને અધીરી છે, છતાં તે કોઈ ઉતાવળું પગલું ભરવાને ઇચ્છતી નથી. કેવળ હિંદના હિતને અર્થે જ નહીં, પણ બ્રિટનના તેમ જ જેમાં તેઓ પોતાની શ્રદ્ધા જાહેર કરે છે તે સ્વતંત્રતાના હિતને અર્થે, કૉંગ્રેસ પોતાની આ અતિશય ન્યાયી અને વાજબી દરખાસ્તનો સ્વીકાર કરવા બ્રિટનને અપીલ કરે છે.

"પરંતુ જો આ અપીલ નિષ્ફળ નીવડશે તો કૉંગ્રેસ હાલની સ્થિતિ ચાલુ રહે તે તરફ ગંભીર ભયની નજરે જોશે, કેમ કે એ પરિસ્થિતિ ઉત્તરોત્તર બગડતી જશે, અને આક્રમણનો સામનો કરવાની હિંદની શક્તિ અને સંકલ્પ નબળાં પડશે. તે પછી રાજકીય હક્કો અને સ્વતંત્રતાની સિદ્ધિને અર્થે ૧૯૨૦ની સાલથી અહિંસાની નીતિને અપનાવીને જે અહિંસક શક્તિ કૉંગ્રેસે સંચિત કરી હશે તે બધીને કામે લગાડવાની તેને નાછૂટકે ફરજ પડશે. આવી વ્યાપક અને પ્રચંડ લડત ગાંધીજીના નેતૃત્વ નીચે જ ચાલે એ અનિવાર્ય છે. જે મુદ્દાઓ ઊભા થયા છે તે હિંદને માટે તેમ જ સંયુક્ત રાષ્ટ્રોની પ્રજાને માટે મર્મસ્પર્શી અને દૂરગામી મહત્ત્વના હોવાથી કારોબારી સમિતિ એ મુદ્દાઓ છેવટના નિર્ણચને માટે મહાસમિતિ સમક્ષ રજૂ કરશે. એટલા સારુ મહાસમિતિની બેઠક મુંબઈમાં, ૧૯૪રના ઑગસ્ટની સાતમી તારીખે મળશે. ”

ઉપરનો ઠરાવ થયા પછી સરદારને ચોક્કસ લાગ્યું કે, હવે બ્રિટિશ સરકાર સાથે જીવસટોસટની લડત અનિવાર્ય છે. એટલે મુંબઈમાં મહાસમિતિની બેઠક ભરાય તે પહેલાં તેઓ અમદાવાદ આવી ગયા અને બધા કાર્યકર્તાઓને મળીને તથા જાહેર સભાઓમાં ભાષણો કરીને આગામી લડતમાં આપણો શો ધર્મ છે તે સમજાવ્યું. તેમનાં ભાષણોમાંથી કેટલાક ફકરા નીચે આપ્યા છે :

“ ક્રિપ્સની દરખાસ્તો જોઈને જ ગાંધીજીએ કહ્યું કે, હવે સરકાર સાથેના સમાધાનની આશા છોડી દો. એમણે અંગ્રેજોને જે વાત કહી છે કે, આ મુલક છેડીને ચાલ્યા જાઓ, એનો અર્થ બરાબર સમજો. આક્રમણ આવવાનું છે એ તો સૌ કોઈ જાણે છે. આ દેશમાં નવાણું નહીં પણ પોણી સો ( ૯૯ાાા) ટકા માણસો એમ કહે છે કે, ભલે બીજો આવતો પણ આ ભૂત તો જાય જ, એટલુ બધું ઝેર આ દેશમાં એમને માટે વ્યાપી ગયું છે. જર્મની કે જપાનની જીત જ્યારે સંભળાય છે ત્યારે લોકો રાજી થાય છે. આમની જીતનું તો સંભળાતું જ