પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨૫
હિંદ છોડીને ચાલ્યા જાઓ

"બ્રિટિશ સલ્તનતનો સાચામાં સાચો કોઈ મિત્ર હોય તો તે મહાત્માજી છે. મહાત્માજીએ એક સાર્જન્ટની માફક હંમેશાં બ્રિટિશ સરકારની સેવા કરી છે. પણ લગભગ ચુમોતેર વર્ષની વયે મહાત્માજીને લાગ્યું કે, હવે આપણે તેનાથી છૂટા પડવું જ પડશે.

“ આવી પળ ફરીથી આવવાની નથી. મનમાં કશો ભય રાખશો નહીં. આ પ્રસંગ ફરીથી આવવાનો નથી. કોઈને એમ કહેવાનું ન મળે કે, ગાંધીજી એકલા હતા. ૭૪ વરસની ઉંમરે હિંદની લડત લડવા, આ બોજો ઉપાડવા એ બહાર પડ્યા છે. ત્યારે આપણે પણ આપણી ફરજ વિચારી લઈએ. તમારી પાસે માગણી થાય કે ન થાય, વખત આવે કે ન આવે, તમારે કશું પૂછવાપણું નથી રહેતું. હવે કયો કાર્યક્રમ, એમ પૂછી બેસી ન રહેશો. ૧૯૧૯માં રૉલેટ ઍકટના વિરોધથી માંડીને આજ સુધી જેટલા કાર્યક્રમ કર્યા છે તે બધાનો આમાં સમાવેશ કરવાનો છે. નાકરની લડત, સવિનચ કાનૂન ભંગ અને એવી જ બીજી લડતો, જે સીધી રીતે સરકારી તંત્રને અટકાવી દેનારી હશે તેને કૉંગ્રેસ અપનાવી લેશે. રેલવેવાળાઓ રેલવે બંધ કરીને, તારવાળા તારખાતું બંધ કરીને, ટાલવાળાએ ટપાલખાતું છોડીને, સરકારી નોકરી નોકરીઓ છોડીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાઓ અને કોલેજો બંધ કરીને, એમ સરકારનાં તમામ યંત્રને અટકાવી દેવામાં આવશે. આ જાતની આ લડાઈ થવાની છે. એમાં તમે સૌ ભાઈબહેને સાથ આપજો. આ લડાઈમાં તમારો જો ખરા દિલનો સહકાર હશે તો એ લડાઈ થોડા જ દિવસમાં ખતમ થઈ જશે અને અંગ્રેજોને અહીંથી ચાલ્યા જવું પડશે. કામ કરનારાઓને સરકાર ઉપાડી જાય તો પણ દરેક હિંદી કૉંગ્રેસમૅન છે એ રીતે પોતાની ફરજ બજાવે અને હાકલ પડતાં લડવા તૈયાર થઈ જાય તો સ્વતંત્રતા બારણાં ઠોકતી આવીને ઊભી રહેવાની છે.

“ મહાત્માજી અને નેતાઓને ઉપાડી લેશે એમ ધારીને જ તમારે આ લડત ઉપાડવાની છે. ગાંધીજી ઉપર હાથ પડે તો વીસ કલાકમાં બ્રિટિશ સરકારનું તંત્ર તૂટી પડે એમ કરવાની તાકાત તમારા હાથમાં છે. તમને સધળી ચાવીઓ બતાવવામાં આવી છે. તેનો અમલ કરજો. સરકારનું તંત્ર ચલાવનારા સૌ કોઈ દૂર હટી જાય તો એ આખુંચે તંત્ર તૂટી પડશે.

“ જે દિવસે હિંદુસ્તાન આઝાદ થશે તે દિવસે કૉંગ્રેસનું આપોઆપ વિસર્જન થશે. કૉંગ્રેસનું કાર્ય તે દિવસે પૂરું થશે. કૉંગ્રેસ પોતાને માટે સત્તા માગતી નથી, દેશને માટે માગે છે. કૉંગ્રેસ અને મહાત્માજીનો આદેશ ઉપાડી લઈ દેશનું નામ દીપાવજો."

તે વખતનાં સરદારનાં ભાષણ જડ બીબાંમાં કદાચ એટલાં ઉગ્ર ન લાગે પરંતુ સાંભળનાર તમામ એમ કહેતાં હતાં કે અત્યારે એમની જબાનમાંથી ધગધગતો અંગાર વરસી રહ્યો છે.