પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨૯
નવમી ઑગસ્ટ

આજ્ઞાપાલન, શિસ્તપાલન કરવાનું છે. પણ ધારો કે, સરકારે જ કાંઈ કર્યું, બધાને પહેલેથી જ પકડી લીધા. તો શું કરવું ? જો એમ થાય, જો સરકાર ગાંધીજીને પકડી લે તો પછી કોઈ કદમબદમની વાત નહી હોય. પછી દરેક હિંદીની - જેણે આ દેશમાં જન્મ લીધો છે તે દરેકની એ ફરજ રહેશે કે, આ દેશની આઝાદી તુરત ને તુરત હાંસલ કરવાને એને જે કંઈ સૂઝે તે બધું કરી છૂટવું. દુનિયામાં આજે આપણી પરીક્ષા થઈ રહી છે. ૧૯૧૯થી માંડીને આજ લગી આપણે વખતોવખત જે જે કાર્યક્રમો કર્યા છે તે બધા જ આ વખતની લડતમાં આવી જાય છે એમ સમજો. બધા એકીસાથે, એકસામટા, છૂટક નહીં. દરેકે આઝાદ હિંદી તરીકે વર્તવાનું છે. એક અહિંસાની મર્યાદા રાખીને બધું જ કરી છૂટવાનું છે. એક પણ ચીજ બાકી રાખવાની નથી. ટૂંકી અને ઝડપી લડત કરવાની છે. જલદી ખતમ કરવું છે. જપાન અહીં આવે તે પહેલાં આઝાદ થઈ જઈને એનો મુકાબલો કરવા તત્પર રહેવાનું છે. આમાં કશી વાટાધાટને સારુ આજે જગ્યા નથી. જે બધા અહીં બેઠા છે તે બધા એટલી વાત અહીંથી લઇને જાચ. જ્યાં સુધી ગાંધીજી છે ત્યાં સુધી એ આપણા સેનાપતિ છે. પણ તેઓ જો પકડાયા, તો જવાબદારી કોઈની કોઈને શિરે નહીંરહે. બધી જવાબદારી બ્રિટિશને માથે રહેશે. અરાજકતાની જવાબદારી પણ તેને જ માથે રહેશે. અરાજકતાની બીક હવે મુલકને રોકી શકશે નહીં.

“ બીજો કોઈ માર્ગ જ નથી. આઝાદ થવું છે. ગુલામી હવે એક ઘડી પણ ન ખપે.”

મહાસમિતિની બેઠક પૂરી થઈ ત્યારથી જ આખા મુંબઈ શહેરમાં અફવાઓ ફેલાઈ રહી હતી, કે હવે ગાંધીજીને અને કૉંગ્રેસના મુખ્ય મુખ્ય નેતાઓને પકડી લેવામાં આવશે. જોકે ગાંધીજી આ વાતને હસી કાઢતા હતા. તેઓ તો ખાતરીપૂર્વક માનતા હતા અને કહેતા હતા કે વાઈસરૉય મારા મિત્ર છે અને તેમની સાથેની મુલાકાતની મારી માગણીને તેઓ પાછી ઠેલશે નહી. ગાંધીજી હંમેશાં સત્યાગ્રહીની રીતે જ વિચાર કરતા, વિરોધી ઉપર તે વિશ્વાસ રાખતા કે સચ્ચાઈ અને નિખાલસપણાની એ કદર કરશે જ. તેઓ હંમેશ શાંતિ અને સમાધાન માટે ઝંખતા હતા અને વાઈસરૉય સાથે મસલત કરીને સુલેહનો માર્ગ કાઢવા માગતા હતા, પણ સરકાર પોતાની ઢબે જ વિચાર કરતી. તેને તો બળજબરીથી હિંદુસ્તાનને કબ્જે રાખવું હતું. એટલે તેણે પોતાની રીતનો બધો પાકો બંબોબસ્ત કરી નાખેલો હતો. નવમી ઑગસ્ટને પરોઢિયે ગાંધીજીને, કારોબારી સમિતિના જે સભ્યો મુંબઈમાં હતા તેમને તથા બીજા ધણા કૉંગ્રેસી આગેવાનોને પકડી લેવામાં આવ્યા. દેશમાં સ્થળે સ્થળે આ પ્રમાણે ધરપકડ થઈ. ગાંધીજીને મહાદેવભાઈ તથા બીજા કેટલાક સાથીઓ સાથે આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા. પૂ. કસ્તુરબા તથા બીજા કેટલાક સાથીઓને પાછળથી