પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સરદાર વલ્લભભાઈ

પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓ અટકાયતમાં અથવા નજર કેદમાં હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલા નહોતા પણ રાજદ્વારી કેદીઓ તો હતા જ. આ સમાધાનીમાં તેમને છોડાવવાની કશી જોગવાઈ થઈ શકી નહોતી. આના કરતાં પણ નારાજનું મોટું કારણ તો એ હતું કે ભગતસિંગ અને તેના બે સાથીઓ સુખદેવ અને રાજગુરુ, એમને પંજાબના એક અમલદારનું ખૂન કરવા બદલ ૧૯૨૦ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થઈ હતી તેમને ફાંસી ન દેવામાં આવે એવી બધા નવજુવાનોની માગણી હતી, વાઈસરૉય સાથેની ચર્ચા દરમ્યાન ગાંધીજીએ એમને ફાંસી ન દેવામાં આવે તે માટે વાઈસરૉયને સમજાવવામાં કશી બાકી રાખી નહોતી, પણ વાઈસરૉય ફાંસી અટકાવવા તૈયાર નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની જ હોઈ ગાંધીજી સંધિની શરતોમાં એ લાવી શકતા નહોતા. વળી ભગતસિંગ એવો બહાદુર જુવાન હતો કે તેણે વાઈસરૉયને દયાની અરજી કરવા સાફ ના પાડી હતી અને કહ્યું હતું કે મેં તો દેશની સ્વતંત્રતાની લડતને માટે એક શત્રુનું ખૂન કર્યું છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળીએ દે, મને ફાંસીએ લટકાવે છે એ પણ મને તો હીણપત લાગે છે. ભગતસિંગના આવા હિંમતવાળા અને બહાદુર વર્તનથી સ્વાભાવિક રીતે જ નવજુવાનોનાં હૃદય તેણે જીતી લીધાં હતાં. વાઈસરૉયે ગાંધીજીને એટલું કહ્યું કે તમે ચાહતા હો તો કરાંચીની કૉંગ્રેસ પૂરી થઈ જાય ત્યાર પછી એને ફાંસી દેવાય એવી વ્યવસ્થા હું કરું. પણ ગાંધીજીએ વાઈસરૉયને વીનવ્યા કે તમે મારું માનતા નથી અને નવજુવાનોનાં દિલ પર સારી અસર કરવાની આ તક ગુમાવો છો, એટલે તમારે એને ફાંસી દેવી જ હોય તો કરાંચી કૉંગ્રેસ પહેલાં દો જેથી મારે અને સરદારને નવજુવાનોનો જે કાંઈ રોષ વહારવાનો હોય તો અમે ત્યાં જ વહોરીએ. એ રોષમાંથી છટકવાનો અમારે પ્રયત્ન કરવો જોઈએ નહી.

આવા કઠણ સંજોગોમાં સરદારને કૉંગેસની ધુરા વહન કરવાનું હતું. તેની કદર આપણા સાક્ષર શ્રી નરસિંહરાવે કેવી કરી હતી તે, જ્યારે ગાંધીજી અને સરદાર મુંબઈથી કરાંચી જતા હતા ત્યારે પોતાની અંજલિ તરીકે તેમના હાથમાં નીચેનો શ્લોક તેમણે મૂક્યો તે ઉપરથી જણાય છે.

यत्र योगेश्वरो गांधी वल्लभनश्च धूर्धरः।
तत्र श्रीविजयो भूर्तिर्धूवा नीतिर्मतिर्मम ॥

જહાં યોગેશ છે ગાંધી, અને ધૂર્ધર વલ્લભ;
ત્યાં શ્રી જય, ત્યાં ભૂતિ, નીતિ, નિશ્ચલ માનું હું.

સાંતાક્રૂઝ, ૧૮–૩–’૩૧
આશાવાદી અલ્પાત્મા