પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૪
સરદાર વલ્લભભાઈ


પાડવાનું ન પણ બને. સૂચનાઓ બહાર પડે તોપણ લોકોને પહોંચે નહીં અને કૉંગ્રેસની સ્થાનિક સમિતિઓનું કાર્ય ચાલી ન શકે એવો વખત પણ આવે. એ સમયે લડતમાં ભાગ લેતાં સર્વે સ્ત્રીપુરુષોએ જે સામાન્ય સૂચનાઓ મળી હોય તેની મર્યાદામાં રહીને પોતાને સૂઝે તે કામ કર્યે જવું. જે હિંદી મુક્તિને માટે ઝંખે છે અને તેને માટે મથે છે તેણે પોતાના જ રાહબર બનવાનું છે. અને જે કઠણ રસ્તા પર આશ્રયનું સ્થાન નથી અને જેનો અંત માત્ર હિંદની મુક્તિની પ્રાપ્તિ વિના આવવાનો નથી તે રસ્તે તેણે આપઅક્કલથી ચાલવાનું છે.
“છેવટે, અખિલ હિંદ મહાસમિતિએ જોકે સ્વતંત્ર હિંદની હકુમત નીચેના રાજવહીવટ વિષે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે તોપણ સમિતિ જેને જેને એ વાતની સાથે સંબંધ છે તે સર્વેની આગળ ચોખવટ કરવા ઇચ્છે છે કે આમ જનતાની લડત ઉપાડીને સમિતિનો આશય કૉંગ્રેસને માટે સત્તા મેળવવાનો નથી. સત્તા જ્યારે આવશે ત્યારે હિંદની સમસ્ત પ્રજાને હસ્તક હશે.”