પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સરદાર વલ્લભભાઈ
તાકાત પારાવાર વધે છે, એ તમે જોયું છે. આપણામાં તાકાત હશે તો ગોળમેજીમાં ધાર્યું મેળવીશું. આપણને એ નાપસંદ પડશે તો પાછા આવીશું અને લડીશું. માટે પ્રજાની શક્તિ વધે એવું કરો.”

જમીનદારો અને માલદારોને સંબોધીને કહ્યું :

“૫ં. જવાહરલાલજી કાર્યક્રમ મૂકે છે ત્યારે ઘણા ભડકી ઊઠે છે. જો તેમનામાં ગરીબો પ્રત્યે પ્રેમ છે, અને કોઈ પ્રત્યે દ્વેષ નથી તો તેમને (જવાહરલાલજીનો) ડર શા માટે ? જમીનદારોની જમીનો જશે એવું કહીને એમને શું કામ ભડકાવો છો ? બકરીનો તે શિકાર હોય ? જમીનદારો તો બિચારા પામર છે. સરકારનો એક સિપાઈ પણ તેમને ડરાવે છે. આપણે એવું કામ કરીએ કે તેમના દિલમાં પણ ઈશ્વરનો વાસ છે તે જાગ્રત થાય, અને પ્રજાનાં સુખદુઃખ જોડે તે એકરસ થાય. પોતાના ફરજંદ જેવી પ્રજા ભૂખે મરતી હોય ત્યારે જે મહેલમાં ગાનતાન કરે, નાચ નચાવે અને પૈસાનો ધુમાડો કરે એવા જમીનદાર ન જ ચાલે.”

આમ કૉંગ્રેસની બેઠકનું કામ ઠીક ઉકલી ગયું, પણ આગળ બહુ વિકટ કામ પડ્યું હતું.



સંધિનો અમલ

સંધિ થઈ ગયા પછી તરત પત્રકારોને મુલાકાત આપતાં ગાંધીજીએ જણાવેલું કે, “વાઈસરૉયની અખૂટ ધીરજ અને એટલી જ અખૂટ મહેનત તથા બિનચૂક વિનયને આ સંધિ આભારી છે. આ નાજુક વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન તેઓ હંમેશાં નિખાલસ રહ્યા છે અને બને ત્યાં સુધી સમાધાની ઉપર આવવાનો તેમણે પોતાનો નિશ્ચય દેખાડ્યો છે.” એવી જ રીતે વાઈસરૉયે પણ આ સમાધાની શક્ય બનાવવા માટે ગાંધીજીની પ્રશંસા કરી. ગાંધીજીની પ્રામાણિકતા, સચ્ચાઈ અને ઊંચી દેશભક્તિનાં તેમણે ભારોભાર વખાણ કર્યાં અને કહ્યું કે, “ગાંધીની સાથે કામ કરવું એ એક ભારે લહાવો છે. તેમાં આનંદના ઘૂંટડા આવે છે.” આમ આ સંધિ કરનાર બે વ્યક્તિઓ જ્યારે એકબીજા પ્રત્યે સુજનતા અને ભાવથી ઊભરાતી હતી ત્યારે બ્રિટિશ અમલદારોને, વાઈસરૉય ગાંધીજી સાથે સમાધાનની વાત કરે અને સરકાર અને કૉંગ્રેસ વચ્ચે આવી સંધિ થાય એટલે કે કૉંગ્રેસ એ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે એ વસ્તુનો સરકાર તરફથી સ્વીકાર થાય એ જરાયે પસંદ નહોતું. અને સંધિનો અમલ કરવાનો તો તેમના હાથમાં હતો. એટલે તેમણે ચોરીમાંથી જ દાંત કચડવા માંડ્યા. વળી સંધિ કર્યા પછી થોડા જ વખતમાં લૉર્ડ અર્વિનની મુદત પૂરી થતી હતી એટલે તેમને જવાનું થયું. તેમની જગ્યાએ