પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
સંધિનો અમલ


આ સ્થિતિ ગાંધીજી, જવાહરલાલજી કે સરદાર શી રીતે સ્વીકારે ? સૌએ મળીને મસલત કરી લીધા પછી તા. ૮–૪–’૩૧ના રોજ ગાંધીજીએ મિ. ઈમર્સનને સાફ સાફ જણાવ્યું કે,

“કિસાનોના પ્રતિનિધિ તરીકે તેમના તરફથી બોલવું એ કૉંગ્રેસનું પ્રથમ કાર્ય છે. ખેડૂતોના પ્રતિનિધિ તરીકે કૉંગ્રેસ તરફની મદદને સ્થાનિક અમલદારો માન્ય ન રાખે અને તેમની મદદની દરખાસ્તોને સહાનુભૂતિપૂર્વક ન વિચારે તો ભય છે કે કૉંગ્રેસને માટે સમાધાનીની શરતોનું પાલન કરવું અશક્ય થાય. એમ કરીને સંધિના ભંગના દોષનો ટોપલો કૉંગ્રેસને માથે નાખવો તે ખોટું છે. છેવટે તો શરતોનું પાલન લોકો દ્વારા જ થવાનું છે, અને જો કૉંગ્રેસના માણસો લોકોની માગણીઓ અને લોકોનાં દુઃખો અમલદારો આગળ રજૂ ન કરી શકે તો સંધિનું પાલન કરવામાં કૉંગ્રેસ અસમર્થ જ નીવડે.”

બારડોલી અને બોરસદ તાલુકામાં તથા ગુજરાતના બીજા ભાગોમાં પણ સ્થાનિક અમલદારોએ આવી મુશ્કેલીઓ ઊભી કરવા માંડી હતી. માતર તાલુકાના મામલતદારે એક નોટિસ કાઢી હતી. તેમાં જણાવ્યું હતું કે, “રખાનું ખર્ચ અને જપ્તીનું ખર્ચ સરકારને થયેલું હોવાથી તે માફ થઈ શકશે નહીં.” નવજીવન કાર્યાલયે લડત દરમ્યાન મહેસૂલ નહીં ભરેલું. સંધિ પછી તરત તે આપવા ગયા ત્યારે તેમની પાસે ‘નોટિસ ફી’ માગી અને ‘નોટિસ ફી’ વગર મહેસૂલ લેવાની ના પાડી. વળી ખેડૂતો પાસેથી પાછલી સાલની બાકીઓ પણ તેઓ માગવા માંડ્યા હતા. સ્થાનિક કાર્યકર્તાઓ સાથે વિચાર કરીને ગાંધીજી તથા સરદાર એવા નિર્ણચ ઉપર આવ્યા હતા કે,

૧. રાસ ગામને એટલી ભારે નુકસાની ખમવી પડી છે કે તે ભાગ્યે જ કાંઈ પણ ભરી શકે.
૨. બાકીનાં ગામો પોતાથી શક્ય તેટલું બધું કરીને ચાલુ વર્ષનું મહેસૂલ ભરવાનો પ્રયત્ન કરશે.
૩. તગાવી તથા પહેલાંની બાકી સરકારે મુલતવી રાખવી જોઈએ. સરકાર એવું માને છે કે લોકો ઉપર આવી પડેલી આફત તેમને પોતાને જ વાંકે ઊભી થયેલી છે, પણ સંધિ થયા પછી આ કારણ રજૂ કરવું અપ્રસ્તુત છે.
૪. રખાનું, જપ્તીનું તથા નોટિસ ફીનું ખર્ચ નહી લેવું એવો સંધિનો ચોખ્ખો અર્થ છે. તેથી એ ખર્ચોની રકમની માગણી કરવામાં ન આવે.

ગાંધીજીએ તા. ૨૦–૪–’૩૧ના રોજ ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટને કાગળ લખીને આ વસ્તુ જણાવી. તેના જવાબમાં મિ. ગૅરેટે ૨૧–૪–’૩૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે,

“આપ કૉંગ્રેસને સરકાર અને લોકો વચ્ચે મધ્યસ્થ તરીકે વર્ણવો છો. સંધિને અંગે સ્વીકારાયેલી વસ્તુઓમાંની આ નથી, અને તમે સૂચવેલો અર્થ