પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
સરદાર વલ્લભભાઈ
સ્વીકારવા હું અસમર્થ છું. લોકો પોતાને લગતી બાબતમાં સરકારી અમલદારો પાસે પહોંચી જવાને સ્વતંત્ર અને શક્તિમાન છે.”

ગાંધીજીએ મુંબઈ સરકારને પત્ર લખી જણાવ્યું કે :

હિંદની સરકારે તથા બ્રિટિશ સરકારે એ વસ્તુનો સ્વીકાર કર્યો કે કૉંગ્રેસ જ લોકોની સાચી પ્રતિનિધિ છે ત્યારે જ તેની અને સરકારની વચ્ચે સંધિ થઈ છે. સરકાર અને લોકો વચ્ચે મધ્યસ્થી તરીકે કૉંગ્રેસનો ઇન્કાર કરવો એટલે સંધિનો ઇન્કાર કરવો એ અર્થ થાય છે.”

આના જવાબમાં મુંબઈ સરકારે અને મિ. ગૅરેટે સહેજ ફેરવી તોળ્યું અને તત્કાળ પૂરતું તો કામ આગળ ચાલ્યું. પણ એમના દિલમાંથી આંટી ગઈ નહોતી. એટલે મુશ્કેલીઓ તો ઊભી જ રહી.

યુક્ત પ્રાંતમાં અને ગુજરાતમાં મહેસૂલ વસૂલ કરવાની બાબતમાં અમલદારોએ સખતાઈ અને જોર જુલમ ચાલુ રાખ્યા. કર્ણાટકમાં સીરસી અને સિદ્દાપુર તાલુકા આર્થિક સંકટોને લીધે મહેસૂલ ભરી શક્યા નહોતા. ત્યાં પણ અમલદારોએ જુલમ કરવા માંડ્યા. કૉંગ્રેસના કાર્યકર્તાઓને બાજુએ રાખી સરકારે બારોબાર દમનનાં પગલાં લેવાનું શરૂ કર્યું.

કાયદાની મર્યાદામાં રહીને દારૂના પીઠાં ઉપર પિકેટિંગ કરવાની છૂટ સંધિના કરારમાં અપાયેલી હતી, પણ તેમાં દારૂતાડીની દુકાનોની હરાજી ઉપર પિકેટિંગ કરવાની છૂટ ક્યાં હતી ? એટલે એના ઉપર પિકેટિંગ કરનારાને ૧૪૪મી કલમ લાગુ પાડવા માંડી. વળી પીઠાં ઉપરના પિંકેટિંગનું નિયમન કરવાને બહાને સ્થાનિક અમલદારોએ એવા હુકમ બહાર પાડવા માંડ્યા કે પિકેટિંગ અશક્ય થઈ જાય. એવા હુકમોથી ચોકી કરનારાની સંખ્યા એટલી નાની નક્કી કરવામાં આવી કે દુકાનને બે અથવા વધારે બારણાં હોય તો એના ઉપર ચોકી રાખી શકાય જ નહીં. કેટલીક જગ્યાએ તો પીઠાંથી સો સો વાર દૂર ઊભા રહીને ચોકી કરવાના હુકમો કાઢવામાં આવ્યા. જેથી પિકેટિંગ કરનારા દુકાનો જોઈ પણ શકે નહીં અને પિકેટિંગ નિષ્ફળ બને. આ ઉપરાંત અમદાવાદ, રત્નાગિરિ તથા ભરૂચ જિલ્લામાં પોલીસ પરવાનામાં જણાવેલા સ્થળ અને સમયની બહાર દારૂનું વેચાણ કરવાની પીઠાંવાળાને અમલદારોએ રજા આપી. વળી પીઠાંવાળા ચોકી કરનારા ઉપર હુમલા કરતા તે પ્રત્યે પોલીસ આંખમીંચામણાં કરતી, અને ચોકી કરનારાઓની દાદ ફરિયાદ સાંભળતી નહીં. દારૂતાડી ઉપરના પિકેટિંગને નિષ્ફળ બનાવવાને એક પણ ઉપાય લેવાનો અમલદારોએ બાકી રાખ્યો નહી.

જ્યાં મીઠું કુદરતી રીતે પાકતું હોય ત્યાં પોતાના ઘરઉપયોગ માટે એ લેવાની અને આસપાસના પ્રદેશમાં માથે મૂકીને વેચવાની સંધિના કરારની રૂએ છૂટ આપવામાં આવી હતી. મદ્રાસ ઇલાકાના માછીઓએ સંધિ પછી