પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
સંધિનો અમલ


વડી સરકારને આ છૂટ મળવા માટે આભારનો તાર કર્યો. સરકાર તરફથી એ લોકોને જવાબ મળ્યો કે તમને આ શરતો લાગુ નથી પડતી, સમાધાનીની શરતોમાં ઘરના વાપરને સારુ મીઠું ભેગું કરવાની કે પકવવાની છૂટ રહેશે એવા શબ્દો હતા અને મદ્રાસ ઇલાકાના માછીઓ માછલી સાચવવાના ઉપયોગને સારુ મીઠું લેવા ઈચ્છતા હતા, એમ કહીને સરકારે તેમને ના પાડેલી. બહુ લાંબી વાટાઘાટો પછી સરકારે મે મહિનાની આખરમાં કબૂલ કર્યું કે “સમાધાનીની કલમનો ઉદ્દેશ ગરીબોને લાભ આપવાનો હોઈ, 'ઘરગથ્થુ વાપર' એ શબ્દોમાં ખાતર માટેના, ઢોર ને ખવડાવવાના અથવા માછલી સાચવવાના ઉપયાગનો સમાવેશ થશે.”

વલસાડ તાલુકાનાં પાંચ ગામોએ પોતાની જમીન ઉપર ધરાસણાના મીઠાના અગર ઉપર હુમલો કરનારા સ્વયંસેવકોની છાવણીઓ કરવા દીધેલી તે બદલ તેમનો દંડ કરવામાં આવેલો અને જમીનો જપ્ત કરવામાં આવેલી. હવે સમાધાનીની શરતોમાં “ જે દંડ વસૂલ થયા નથી તે માફ કરવામાં આવશે અને જપ્ત થયે જમીનો વેચી નાખવામાં નહી આવી હોય તો પાછી આપવામાં આવશે” એવી કલમ હતી. એટલે સમાધાની પછી એ ખેડૂતો પૂરેપૂરૂ મહેસૂલ ભરીને જમીનનો કબજો પાછો માગવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારી ખેતીની જમીનને તમે બિનખેતીના કામ માટે ઉપયોગ કર્યો તેનો દંડ નહી ભરો ત્યાં સુધી જમીન પાછી આપવામાં નહી આવે.

જે પટેલો અને તલાટીઓએ લડત દરમ્યાન રાજીનામાં આપેલાં તેમને પાછા નોકરીએ લેવાની બાબતમાં પણ સ્થાનિક અમલદારોએ જાતજાતના વાંધા ઊભા કર્યા. તેમની બાબતમાં બોરસદના મામલતદારે તા. ૧૧-૩-'૩૧ના રોજ નોટિસ કાઢી કે,

“ તમે ફરી નોકરીએ ચડવા ખુશી હો તો તમારી નિમણુક બાર મહિનાને માટે સરકાર તરફથી થશે. અને ત્યાર બાદ તમારી વર્તણૂક સંતોષકારક જણાયેથી તમારું મતું તમને પાછું આપવા વિચાર થશે. વળી તમારા વાર્ષિક મહેનતાણાનો ચોથો ભાગ દંડ તરીકે આપવો પડશે” વગેરે.

આ જાતની નોટિસ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો ત્યારે તે પાછી ખેંચી લેવામાં આવી. પણ પટેલ તલાટીઓને પાછા લેવાની બાબતમાં ગચ્ચાં નાખવાનું તો ચાલુ જ રહ્યું. સમાધાનીમાં એક શરત એવી હતી કે રાજીનામાંથી ખાલી પડેલી જગ્યાઓ જ્યાં કાયમની પુરાઈ ગઈ હશે ત્યાં સરકાર પહેલાંના હોદ્દેદારોને ફરી તે જગ્યાએ લઈ શકશે નહીં. આ કલમનો લાભ લેવા માટે સ્થાનિક અમલદારોએ એવું કહેવા માંડયું કે ‘વધુ હુકમ