પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સરદાર વલ્લભભાઈ


થતાં સુધી'” નિમાયેલા પટેલો અને મુખીઓને કાયમ નીમવામાં આવ્યા છે. આમાંના ઘણા તો નોકરીને માટે નાલાયક હતા એમ પણ સિદ્ધ કરવામાં આવ્યું હતું. દા. ત. રાસ ગામમાં બારૈયા કોમના જે માણસને નવો મુખી નીમવામાં આવ્યો હતો તેને પહેલાં ચોરીના ગુના માટે સજા થયેલી હતી. વળી સમાધાન પછી તેના મુખીપણા દરમ્યાન કેટલાક બિનબારૈયાઓનાં ઝૂંપડાં બાળી નાખવામાં આવ્યાં હતાં અને સંખ્યાબંધ ઝાડ અને વાડાને નુકસાન કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકાના વરાડ ગામે એક જહાંગીર પટેલ નામના પારસીને લડત દરમ્યાન મુખી નીમવામાં આવેલો. તેની સામે લાંચ લેવાના, પૈસા ઉચાપત કરવાના, ધમકીઓ આપીને પૈસા કઢાવવાના અને ગુંડાશાહી કરવાના આરોપો હતા. વળી જપ્ત થયેલી જમીન સરદાર ગારડા નામના પારસીએ ખરીદેલી તેમાં પણ તેનો ભાગ હોવાનો આરોપ હતો, છતાં આવા માણસોને તેમની નિમણૂક કાયમી કરવામાં આવી છે એમ કહી સ્થાનિક અમલદારોએ ખસેડવાની ના પાડી.

શ્રી દુર્લભજીભાઈ અને શ્રી મોરારજીભાઈએ લડત દરમિયાન પોતાના ડેપ્યુટી કલેક્ટરના હોદ્દાનાં રાજીનામાં આપેલાં. તેમને વિષે લોડ અર્વિન અને ગાંધીજી વચ્ચે એવી મોઢાની સમજૂતી થયેલી કે તેમને નોકરી ઉપર પાછા ન ચડાવતાં પેન્શન આપવામાં આવશે. બંનેએ ગાંધીજીના કહેવાથી પેન્શન માટે અરજીઓ કરી. પણ અર્વિન પછી આવેલા વિલિંગ્ડન સાહેબે પેલી મોઢાની સમજૂતીનો ઈનકાર કર્યો.

ઘણા પ્રાંતોમાં લડતમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને માફી માગ્યા વિના કે સત્યાગ્રહની લડતમાં ફરી કદી ભાગ ન લઈએ એવી કબૂલાત આપ્યા વિના હાઈસ્કૂલોમાં અને કોલેજોમાં દાખલ કરવાની ના પાડવામાં આવી.

સંધિને અંગે આવા પાર વિનાના ઝધડા સ્થાનિક અમલદારોએ ઊભા કરવા માંડ્યા. તે માટે જિલ્લાના અમલદારો સાથે, પ્રાંતિક સરકારો સાથે અને હિંદ સરકાર સાથે ગાંધીજીને લાંબો પત્રવ્યવહાર ચલાવવો પડ્યો અને વારંવાર દિલ્હી સીમલાના ધક્કા ખાવા પડ્યા.

ગુજરાતમાં મુખ્યત્વે બારડોલી અને બોરસદ એ બે તાલુકાઓમાં નાકરની લડત ચાલેલી, અને બંને તાલુકાઓમાં સમાધાની પછી ખેડૂતો પોતાની શક્તિ પ્રમાણે મહેસૂલ ભરી દે એ માટે સરદારે અને ગાંધીજીએ તનતોડ પ્રયત્ન કરેલ. સરદાર આ વર્ષે કૉંગ્રેસના પ્રમુખ હતા એટલે તેમને ઘણાં કામમાં ધ્યાન આપવાનું રહેતું અને ગાંધીજી પાસે પણ પાર વિનાનું કામ પડેલું હતું. છતાં બંનેએ સંધિની શરતોનું લોકો તરફથી પાલન થાય એને જ પોતાનું મુખ્ય કામ માન્યું, અને સરદારે બારડોલીને તથા ગાંધીજીએ