પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સરદાર વલ્લભભાઈ


કારણ એ લોકોમાં ઘેટાંબળ છે, સિંંહબળ નથી. એટલે એક જ વરસનું આપવાની વાત કરવી જોઈએ. એકબે માણસ ભરી શકે તેવા હોય છતાં તે પણ ન ભરે. કારણ ભરે તો ઘેટાંબળ રહી ન શકે.'

છેવટે તા. ૧૪-૬ –’૩૧ના રોજ ગાંધીજીએ હિંદ સરકારના હોમ સેક્રેટરી મિ. ઇમર્સનને કાગળ લખીને સૂચવ્યું કે સંધિ વિષે મને લાગે છે તે પ્રમાણે કદાચ એ સમય આવી લાગ્યો છે કે જ્યારે સંધિની કલમોના અર્થનો નિર્ણય કરવા માટે તથા એક યા બીજો પક્ષ સંધિની શરતોનું પૂરેપૂરું પાલન કરે છે કે કેમ તે નક્કી કરવા માટે કાયમી લવાદી પંચ નીમવામાં આવે.

પિકેટિંગની બાબતમાં તો સરકારી અમલદારો સાથે થતા ઝધડાનો પાર નહોતો. એટલે એ વિષે ગાંધીજીએ સૂચવ્યું કે બંને પક્ષ તરફના પ્રતિનિધિઓવાળી તપાસસમિતિઓ નીમવામાં આવે. જે ફરિયાદો આવે તેની આ સમિતિઓ ત્વરિત તપાસ ચલાવે. જ્યાં એમ માલૂમ પડે કે શાંત પિકેટિંગના નિયમનો ભંગ થયો છે ત્યાં પિકેટિંગ તદ્દન મુલતવી રાખવામાં આવે. જ્યાં પિકેટિંગ શાંત હોવા છતાં કેસ કરવામાં આવ્યા છે એમ માલૂમ પડે ત્યાં એવા કેસો ખેંચી લેવામાં આવે.

પણ સરકારને આ સૂચનાનો સ્વીકાર કરવામાં પોતાની સત્તાનો ત્યાગ કરવા જેવું લાગ્યું, એટલું જ નહીં પણ કૉંગ્રેસને સત્તા સોંપવા જેવું લાગ્યું. એટલે હોમ સેક્રેટરીએ લાંબો જવાબ આપીને જણાવ્યું કે જ્યારે સંધિ કરવામાં આવી ત્યારે આવી સ્થિતિ વિચારવામાં નહોતી આવી. સરકારનાં મૂળભૂત કર્તવ્યોના પાલનની સાથે આ સૂચના સુસંગત નથી.

જિલ્લા અમલદારો તરફથી લગભગ દરેક બાબતમાં સંધિની પાછળ રહેલા ભાવનું પાલન નહોતું થતું, એટલું જ નહીં પણ સંધિનો છડેચોક ભંગ થતો હતો, અને કૉંગ્રેસી કાર્યકર્તાઓની તથા લડતમાં જેમણે ભાગ લીધો હતો એવી જનતાની પજવણી થતી હતી. તો પણ ગાંધીજીનો આગ્રહ એ હતો કે કૉંગ્રેસે અને પ્રજાએ સંધિનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. એટલે તેઓ વાઈસરૉયને મળવા સીમલા ગયા. વાઈસરૉયને સમજાવવાનો તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. પણ એને સમજવું હોય તો ના ?

આ પ્રકરણ ચાલતું હતું તેવામાં જ બ્રિટિશ વડા પ્રધાનની વતી ગોળમેજી પરિષદના સભ્ય થવાનું આમંત્રણ વાઈસરૉયે તા. ર૦મી જુલાઈના કાગળથી ગાંધીજીને આપ્યું. ગાંધીજીએ જણાવ્યું કે, "મારી પાસે દેશમાં ઠેકઠેકાણેથી એવા રિપોર્ટો ચાલ્યા આવે છે કે કૉંગ્રેસીઓને કશા વાજબી કારણ વિના સતાવવામાં આવે છે. કહેવાય છે કે કેટલીક જગ્યાએ તો સવિનય ભંગની લડતમાં થતી હતી તે કરતાં પણ ઘણી