પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
સંધિનો અમલ


વધારે સતામણી અત્યારે ચાલી રહી છે. મને લાગે છે કે હિંદુસ્તાનમાં આ ઘડીએ જે સ્થિતિ પ્રવર્તી રહી છે તે સુધરે નહીં તો મારે હિંદુસ્તાન છોડવું અશક્ય છે.”

આ વખતે સરહદ પ્રાંતમાં ખુદાઈ ખિદમતગાર ઉપર માર મારવાના તથા બીજા અમાનુષી ત્રાસ ગુજારવાના સમાચાર ગાંધીજી પાસે આવી રહ્યા હતા. અહીં એક દાખલો આપીશું. એક ગામમાં જે સ્વયંસેવકોએ મહેસૂલ નહોતું ભર્યું તેમને એકઠા કરી એમાંના છ જણને ભમરીઓવાળા એક ઓરડામાં પૂર્યા અને પછી ભમરીઓ ઉડાડી તેમને કરડાવી. જ્યારે કમકમાટી ઊપજે એવા સૂજેલા મોઢા સાથે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ફોજદારે તેમને કહ્યું, “ ચાલ્યા જાઓ, તમારી ઓરતોને વેચી મહેસૂલ ભરી જજો." એક જગ્યાએ બે ખુદાઈ ખિદમતગારોને પકડી કોંગ્રેસનું કામ છોડી દેવાનું ફરમાવ્યું. પણ પેલાઓએ એમ કરવાની ના પાડી કે તરત જ તેમને નાગા કરી ખૂબ ઠોક્યા અને એ બેમાંના એકને મજબૂત દોરડાથી બાંધી જમીન પર તડકામાં સુવાડ્યો. એટલેથી પણ સંતોષ ન માનતાં તેની ગુદામાં લાકડાના કટકા ખોસવામાં આવ્યા. પઠાણ આ જાતનાં અપમાનને મોત કરતાં પણ ભૂંડું માને છે, છતાં આ ખુદાઈ ખિદમતગારો પોતાને અહિંસાની પ્રતિજ્ઞાથી બંધાયેલા ગણી આવાં અપમાનો તથા કષ્ટો મૂંગે મોઢે સહન કરી લેતા. આવા રિપાર્ટો વાંચી ગાંધીજીને પાર વગરની અસ્વસ્થતા થતી. છેવટે શ્રી દેવદાસ ગાંધીને તેમણે આ બાબતની તપાસ કરવા સરહદ પ્રાંતમાં મોકલ્યા. તેમના રિપોર્ટમાં તેમણે આ બધા કિસ્સાઓ ખરા હોવાનું જણાવ્યું.

જુલાઈ માસમાં ગાંધીજી સીમલા હતા ત્યારે જ બારડોલીમાં મહેસૂલ ઉઘરાવવા માટે ત્યાંના રેવન્યુ અમલદારો તથા પોલીસોએ ભારે ત્રાસ ગુજાર્યો. સંધિ પછી શક્ય તેટલું મહેસૂલ ભરાવી દેવા માટે સરદાર બારડોલી રહેલા અને ગાંધીજી બોરસદ રહેલા તે ઉપર કહેવાઈ ગયું છે. સંધિ થઈ તે વખતે બારડોલી તાલુકાનું ચાલુ સાલનું લગભગ વીસ લાખ રૂપિયાનું મહેસુલ બાકી હતું. તેમાંથી સરદારના પ્રયત્નથી ઓગણીસ લાખ રૂપિયા તો ભરાઈ ચૂક્યા હતા. બાકીના ભરવામાં વિલંબ થતો તે પણ લોકોની આડાઈને લીધે નહોતો થતો, પણ લડત દરમ્યાન લોકો હિજરતે ગયેલા. તેમની જમીન જપ્ત થયેલી. પાક લૂંટાઈ ગયેલા, ભેંસો જપ્તીમાં ગયેલી અને હરાજ થઈ ગયેલી, વગેરે પારાવાર નુકસાન થયેલું તેથી આવેલી આર્થિક અશક્તિને લીધે જ તેઓ ભરી શકતા નહોતા. કલેકટરે બાકીવાળાઓ ઉપર ટપાટપ નોટિસો કાઢવા માંડી. સરદારે કલેકટરને કહ્યું કે ખાતેદારો ઉપર સીધી નોટિસો કાઢવાને બદલે મને એમનાં નામ આપો અને જેઓ ભરી શકે એવા હોય તેમની પાસે હું પૈસા ભરાવી આપીશ. કલેક્ટરે નામ આપ્યાં અને સરદારે થોડાક પૈસા ભરાવી