પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સરદાર વલ્લભભાઈ


પણ આપ્યા. સરદારે શ્રી મોહનલાલ પંડ્યાને કલેકટર પાસે મોકલ્યા કે હજી બીજાં નામ હોય તેની યાદી આપો. કલેક્ટરે જણાવ્યું કે હવે તો હું યાદી નહીં આપી શકું કારણ કે એવી રીતે તમને ચાદી ન પૂરી પાડવી એવા મારા ઉપર હુકમ છે. આ પ્રમાણે જણાવ્યા પછી તરત જ કલેક્ટરે બારડોલી જઈ જે ગામોમાં જે જે ખેડૂતોને મહેસુલ બાકી હતું તેમની પાસેથી જબરદસ્તીથી મહેસૂલ વસૂલ કરવાની યોજના કરી. સવારના પહોરમાં મામલતદાર તથા એક બે પોલીસ અમલદારો પોલીસના ધાડા સાથે ગામે જઈ ચડે અને ગામને ઘેરો ઘાલે. જે લોકો ખેતરમાં કામ કરવા અથવા દિશાએ જવા બહાર ગયા હોય તેમને ગામમાં પેસવા ન દે, અને ગામમાંથી કોઈને બહાર નીકળવા ન દે. ગામમાંથી કોઈ ઢોરને પણ બહાર જવા ન દે. જે આસામીનું મહેસૂલ બાકી હોય તે આસામીને ઘેર પોલીસનો પહેરો બેસી જાય અને ઘરમાંથી કોઈ માણસને કે ઢોરને બહાર નીકળવા ન દે અને બહારથી કોઈને અંદર પેસવા ન દે. પોલીસ અમલદાર મારઝૂડ કરવાની તથા ઘરનું બધું લૂંટી લેવાની ધમકી આપે અને ઘરનાં બધાંને ગભરાવી મૂકે. આ ઉપરાંત ગાળોનો વરસાદ વરસાવે તે તો જુદો જ. તમારી પાસે પૈસા ન હોય તો કાળા ચોરના લઈ આવો. પણ જ્યાં સુધી મહેસૂલ ભરી નહીં દો ત્યાં સુધી આ ઘેરો ઊઠશે નહીંં. આમ લોકોને ગભરાવીને જુલાઈના બીજા અને ત્રીજા અઠવાડિયાના લગભગ દસ દિવસમાં સોળ ગામ ઉપર ચડાઈ કરી મહેસૂલ વસૂલ કર્યું. સરદાર તે વખતે બારડોલીમાં જ હતા. રેવન્યુ અને પોલીસ અમલદારોની આ ગુંડાગીરીના રિપોર્ટો તેમની પાસે તે તે ગામથી આવતા, અને તેમની અકળામણનો પાર રહેતો નહીં. સ્થાનિક અમલદારો ગમે તે કરે તો પણ આપણું ચાલે ત્યાં સુધી આપણે તો સંધિની શરતોનું પૂરેપૂરું પાલન કરવું જ છે, એવી ગાંધીજીની સૂચના હતી. એટલે સરદારની સ્થિતિ એ સૂચના રૂપી બંધનના પાંજરામાં પુરાયેલા સિંહ જેવી હતી. તેમણે ગાંધીજીને સીમલા કરેલા નીચેના તાર ઉપરથી તેમની મનઃસ્થિતિનો ખ્યાલ આવશે.

"બારડોલી,
૧૭-૭-'૩૧
 


“સુરતની મુલાકાત પછી વસુલાતનું દબાણ વધ્યું છે. કદાચ કમિશનરને પૂછીને તેમ કર્યું હશે. કલેક્ટર ગઈ કાલે સાંજે અહીં આવ્યા હતા. રેવન્યુ અમલદારો, ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મિ. ઇરમાઈલ દેસાઈ તથા પંદર પોલીસ કોન્સ્ટેબલોએ ગયા વર્ષની બાકી વસૂલ કરવા માટે રાયમ ગામ ઉપર ધાડ પાડી. ડાહ્યા કાળા નામના ખેડૂત જેણે ચાલુ સાલનું મહેસૂલ તે ભરી દીધું છે તેનાં ખાટલા ગોદડાં અને રાંધવાનાં વાસણ જપ્તીમાં લીધાં. જપ્ત થયેલી