પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
સંધિનો અમલ


મિલકત ખસેડવામાં આવી. ખેડૂતો અત્યારે ખેતીના ખરા કામમાં લાગેલા છે. તેમની દશા સૂડી વચ્ચે સોપારી જેવી છે. એક યા બીજી રીતે આનું નિરાકરણ લાવ્યે જ છૂટકો છે. – વલ્લભભાઈ ”

“ બારડોલી,
૨૦-૭-૩૧
 


મારા ગયા તાર પછી ગામો ઉપરની ધાડો ચાલુ છે. આજે ઘણાં ગામ ઉપર પોલીસોએ ધાડ પાડી છે. આવવાની તારીખ તારથી જણાવો.-વલ્લભભાઈ ”

“ બારડોલી,
૨૧-૭-'૩૧
 


"બારડોલીના એક મુસલમાનના ઘરનું પાછલું બારણું પોલીસે તોડી નાખ્યું. બે બાળકોને ઈજા થઈ છે. હિમના વર્ષની બાકીના વીસ રૂપિયા માટે ઘરમાંથી બધી મિલકત બહાર કાઢી. છેલ્લાં બે વર્ષનું તમામ મહેસૂલ આ માણસે ભરી દીધેલું છે. પાછલાં વર્ષોની બાકી માટે આ જાતની જપ્તીઓ ચાલુ છે.

- વૂલ્લભભાઈ"
 
"બારડોલી,
૨૬–૭–૩૧
 


"પોલીસનો જુલમ અસહ્ય થતો ચાલ્યો છે. ખેડૂતોનાં ટોળેટોળાં ફરિચાદ કરતાં આશ્રમમાં ઊભરાય છે. ગઈ કાલે સાંકળીનાં કેટલાંક કુટુંબોને બહાર પોલીસનો પહેરો મૂકી આખો દિવસ ઘરમાં પૂરી રાખ્યાં. ટીમ્બરવાના ખેડૂતોને પોલીસોએ ખેતરમાં કામે જવા દીધા નહીં. છેવટે પોલીસના પહેરા સાથે તેઓ બીજે ગામ જઈ ભારે વ્યાજે નાણાં લઈ આવ્યા. રાજપુરાના ખેડૂતોને આજે પોલીસ ટીમ્બરવા ઘસડી લઈ ગઈ. ખેાજ અને પારડી ગામેથી સમાચાર આવે છે કે વહેલી પરોઢથી પોલીસોએ ગામને ઘેરો ઘાલ્યો છે. ખેડૂતો તથા ઢોરોને પણ બહાર જવા દેતા નથી. જેમની પાસે મહેસૂલ બાકી છે એવાં કુટુંબને તો ઘરમાં જ ગોંધી રાખ્યાં છે. બારડોલીમાં નાકે નાકે પોલીસ લગાવી દીધી છે, અને સ્ત્રીઓ તથા પુરુષો પજવણીની તેમ જ ન સંભળાય એવી ગાળોની ફરિયાદ કરે છે. આ ત્રાસનો ઉપાય ન જ થઈ શકે એમ હોય તો ભગવાનને ખાતર હવે તો લડાઈ શરૂ કરવા દો.-વલ્લભભાઈ ”

તા. ૨૪મી જુલાઈ એ ગાંધીજી બારડોલી આવી પહોંચ્યા. તેમણે આ બધી ફરિયાદોનો કાગળ સુરતના કલેક્ટરને લખીને છેવટે જણાવ્યું કે,

"અહીં બતાવેલી બાબતોમાં સંતોષ આપવામાં આવે અથવા આમાં કરેલી ફરિયાદોની ખુલ્લી તપાસ કરવા નિષ્પક્ષ પંચ સરકાર નીમે અને એટલો વખત દરમ્યાન બધાં જાપ્તાનાં પગલા બંધ રાખો તો ઠીક. નહીં તો સરકારે સંધિને ભંગ કર્યો છે અને આપેલા વિશ્વાસનો ઘાત કર્યો છે એમ હું માનીશ. અને જે