પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સરદાર વલ્લભભાઈ

પ્રજાની કૉંગ્રેસ પ્રતિનિધિ છે તે પ્રજાના હિતની રક્ષા કરવા આવશ્યક જણાય તેવાં પગલાં લેવાને હું છૂટો છું એમ માનીશ. આવતા રવિવારે બપોર સુધીમાં આનો જવાબ મને પહોંચાડવા કૃપા કરશો.
“આ કાગળની નકલ ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટ તથા મુંબઈ સરકારને મોકલું છું. અને તેનો સારાંશ નામદાર વાઈસરૉયને તારથી જણાવું છું.”

મુંબઈ સરકારના હોમ મેમ્બર મિ. મેક્સવેલે ગાંધીજીના કાગળનો જવાબ બહુ મોડો તા. ૧૦મી ઑગસ્ટે આપ્યો. તેમાં જણાવ્યું કે,

“મળેલા સમાચાર ઉપરથી નામદાર ગવર્નરને ખાતરી થઈ છે કે બારડોલીમાં મહેસૂલ ઉઘરાવવા સારુ લેવાયેલાં પગલાંમાં સંધિભંગ નથી. અમુક વીણી કાઢેલા આસામીઓ સામે જ કલેક્ટરે પગલાં લીધાં છે. ખાતેદારોએ તરત ભરણું કર્યું અને જપ્તી ક્વચિત જ કરવી પડી તે ઉપરથી જણાઈ ગયું છે કે ભરી શકે એવા ઘણાએ મહેસૂલ નહોતું ભર્યુંં. લોકોએ સંધિ પાળી નહીં એટલે જ જપ્તીનાં પગલાં લેવાં પડ્યાં.”

એ જ કાગળમાં આગળ જણાવ્યું કે,

“જમીન મહેસૂલના ઉઘરાણાનો આધાર કૉંગ્રેસની સલાહ ઉપર રહે એ સ્થિતિ સરકારે કે કલેક્ટરે કદાપિ સ્વીકારી નથી. નામદાર ગવર્નરને કાંઈ શંકા નથી કે, આપ પોતે પણ સમજશો કે અમુક ખાતેદાર મહેસૂલ ભરી શકે એમ છે કે નહીં એનો નિર્ણય કલેક્ટરને હસ્તક જ રહેવો જોઈએ. એટલે નામદાર ગવર્નર માને છે કે લેવાયેલાં પગલાંમાં વિશ્વાસઘાત કે સંધિભંગ થયેલ નથી.”

બારડોલીમાં આ જુલમ ચાલી રહ્યો હતો તે વખતે યુક્ત પ્રાંતોમાં પણ એ જ દશા હતી. ગાંધીજીએ તા. પ-૮-’૩૧ના રોજ યુક્ત પ્રાંતના ગવર્નરને તાર કરીને જણાવ્યું કે,

“સરકારના મુખ્ય મંત્રી સાથે પોતાને થયેલી વાતચીત પંડિત માલવીયજી તથા પંડિત જવાહરલાલે વર્ણવી, તે ઉપરથી જણાય છે કે કિસાનો વિષેની સરકારની નીતિ અનિશ્ચિત છે, જાપ્તાંનાં પગલાં ચાલુ છે, અને કાઢી મૂકેલા કિસાનોની અદ્ધર સ્થિતિ છે. એટલે મને બહુ ચિંતા થાય છે. આ મહત્ત્વના પ્રશ્નો વિષે સરકારની નીતિ મને કૃપા કરીને સ્પષ્ટ જણાવશે.”

યુ. પી.ના ગવર્નરે ગાંધીજીને તા. ૬-૮-’૩૧ના રોજ તાર કરી જણાવ્યું કે,

“અમને એમ માનવાનું કારણ નથી કે આ વર્ષે વધારે પડતા કિસાનોને જમીન છોડવી પડી છે. એક બે પ્રદેશ એવા છે જ્યાં સાધારણ વર્ષ કરતાં વધારે કિસાનોને જમીન છોડવી પડી છે. કાઢી મૂકેલા કિસાનોને ફરી રાખવા જમીનદારોને સમજાવવામાં જિલ્લા અમલદારો સામાન્ય રીતે પોતાની લાગવગ વાપરે છે. … વ્યવહારમાં તથા સિદ્ધાંતની દૃષ્ટિએ સરકારની નીતિ એવી છે કે જમીનદાર તથા કિસાન વચ્ચે સરખો ન્યાય તોળવો, છતાં હાલની આર્થિક મંદીમાં કિસાન અયોગ્ય રીતે દુઃખી ન થાય એવી બધી ગોઠવણ કરવી.”