પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
સંધિનો અમલ


અસહ્ય જુલમ અને ત્રાસની ફરિયાદો આવે તેના આવા ઉડાઉ જવાબો મળ્યાં કરે એટલે ગાંધીજી અકળાયા, અને તા. ૧૧-૮-’૩૧ના રોજ વાઈસરૉયને તાર કરીને જણાવ્યું કે,

“હમણાં જ મળેલા મુંબઈ સરકારના કાગળથી મારું લંડન જવાનું અશક્ય બને છે, એ કાગળમાં હકીકતના તેમ જ કાયદાના બહુ જ મહત્ત્વના સવાલ ઉઠાવ્યા છે ને લખ્યું છે કે એ બેય વિષે સરકાર છેવટનો ન્યાય તોળે. ચોખ્ખા શબ્દોમાં આનો અર્થ એ થાય છે કે સરકાર અને ફરિયાદી વચ્ચે થયેલા કરારમાંથી ઉપસ્થિત થતા ઝઘડામાં સરકાર આરોપી અથવા ફરિયાદી અને ન્યાયાધીશ બંને બને. આ સ્થિતિ કૉંગ્રેસને અસ્વીકાર્ય છે. મુંબઈ સરકારનો કાગળ મારી પૂછપરછના જવાબમાં આવેલો. યુક્ત પ્રાંતના ગવર્નરનો તાર અને યુક્ત પ્રાંતમાં, સરહદ પ્રાંતમાં તથા બીજા પ્રાંતોમાં ચાલુ રહેલા જુલમના હેવાલ એ બધા સાથે વાંચતાં મને સ્પષ્ટ ભાસે છે કે મારે લંડન ન જવું. છેવટનો નિર્ણય કરતાં પહેલાં તમને જણાવવાનું મેં વચન આપ્યું હતું એટલે ઉપલી હકીકત તમારા ધ્યાન ઉપર આણી છે, નિર્ણય જાહેર કરતાં પહેલાં તમારા જવાબની રાહ જોઈશ.”

તા. ૧૩-૮-’૩૧ના રોજ નામદાર વાઈસરૉયે ગાંધીજીને તાર કર્યો. તેમાં મુંબઈ સરકારે તથા યુક્ત પ્રાંતની સરકારે આપેલા જવાબોનો બચાવ કર્યો અને જણાવ્યું કે,

“હું આશા રાખતો હતો કે ભવિષ્યના બંધારણની મહત્ત્વની ચર્ચા જેનાથી તમારા કે મારા આયુષ્યથી ક્યાંય દૂર લગી દેશનું ભવિષ્ય ઘડાવાનું છે, તેમાં ભાગ લઈને દેશની સેવા કરવામાં આવી ઝીણી વિગતોના ઝઘડાને તમે અંતરાયરૂપ નહીં બનવા દો. પણ જો તમારો તાર છેવટનો શબ્દ જ હોય તો પરિષદમાં જવાની તમારી અશક્તિ હું તરત જ વડા પ્રધાનને જણાવી દઈશ.”

ગાંધીજીએ તે જ દિવસે વાઇસરૉયને તાર કરી દીધો કે,

“આ બનાવોમાં સંધિથી અસંગત તમે કંઈ ન જોતા હો તો એમ જણાય છે કે સંધિ વિષે મારે અને આપને મૂળમાં દૃષ્ટિભેદ છે. લંડન જવાને મેં મારાથી બનતું કર્યું પણ મારો પ્રયત્ન અફળ ગયો. કૃપા કરીને વડા પ્રધાનને આમ જણાવજો. હું માનું છું કે સરકાર સાથે થયેલો પત્રવ્યવહાર તથા તારો પ્રગટ કરવા સામે આપને વાંધો નહીં હોય.”

વાઈસરૉયે તા. ૧૪મી ઑગસ્ટે તાર કરીને પત્રવ્યવહાર તથા તારો પ્રગટ કરવામાં પોતાની સંમતિ જણાવી.

આટઆટલા કડવા ઘૂંટડા પીધા છતાં ગાંધીજીને તો પોતાની અહિંસાને આકરી કસોટીએ ચડાવવી હતી. સરકારી અમલદારોનું માનસ જરાયે ઢાંક્યું રહ્યું નહોતું. છતાં પ્રજા પાસે હજી વધારે કષ્ટ સહન કરાવીને એ અમલદારોનો હૃદયપલટો કરવાની આશા ગાંધીજી છોડવા નહોતા ઈચ્છતા. એટલે કૉંગ્રેસની કારોબારી પાસે તા. ૧૪-૮-’૩૧ના રોજ ઠરાવ કરાવ્યો કે જોકે ગાળમેજી પરિષદમાં ભાગ ન લેવો એવો કૉંગ્રેસ ઠરાવ કરે છે છતાં તેથી દિલ્હીની