પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
સંધિનો અમલ

તેમની સાથે સીમલા જઈ વાઈસરૉયને સમજાવવા પટણીજી તૈયાર થયા. ગાંધીજીએ વળી અહિંસાનો એક વધુ પ્રયોગ કર્યો. વાઈસરૉયને કાગળ લખ્યો અને જણાવ્યું કે, “આપને ચર્ચા આવશ્યક લાગતી હોય તો સીમલા આવવા તૈયાર છું.” વાઈસરૉયે જણાવ્યું કે, “તમને એમ લાગતું હોય કે વધુ ચર્ચા તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થશે તો ભલે આવો.” ગાંધીજીને તો પ્રયત્ન કરવામાં મણા રાખવી જ નહોતી. એટલે વાઈસરૉયે આવવું હોય તો આવો એમ કહ્યું છતાં સીમલા જવાના નિર્ણયનો બોજો પોતાની ઉપર લઈને જવા તૈયાર થયા. વાઈસરૉયને એટલું જણાવ્યું કે, “હું સીમલા રોકાઉં ત્યાં સુધી પંડિત જવાહરલાલજી, ખાનસાહેબ અબદુલ ગફાર ખાન તથા સરદાર વલ્લભભાઈને મારી સાથે સીમલામાં રહેવાનું મેં આમંત્રણ આપ્યું છે.” સીમલાની વાટાઘાટોમાં સરકારે બારડોલીમાં થયેલી સખતાઈ બાબત તપાસ કરવાનું અને તેમાં સરકાર તથા કૉંગ્રેસ બંને પુરાવા આપી શકે એવું કબૂલ કર્યું. સરકારે આ એક જ બાબતમાં પણ નમતું મૂક્યું એટલે ગાંધીજીએ ગોળમેજીમાં જવાનું કબૂલ કર્યું. માત્ર એક વસ્તુની કાગળ લખીને ચોખવટ કરી કે,

“કોઈ ફરિયાદ એટલી બધી અસહ્ય થઈ પડે કે, તપાસને અભાવે તેને દૂર કરવા સારુ રક્ષણાત્મક લડતનો કોઈ ઉપાય શોધવાનો કૉંગ્રેસનો ધર્મ થઈ પડે તો સવિનય ભંગ મુલતવી રાખેલો હોવા છતાં પણ એવો ઉપાય લેવાને કૉંગ્રેસ સ્વતંત્ર રહેશે.”

આ બધું સીમલામાં તા. ર૭મી ઑગસ્ટે પતી ગયું. મુંબઈથી તા. ૨૯મી ઑગસ્ટે જે સ્ટીમર ઉપડતી હતી તે જો ગાંધીજી પકડે તો જ ગોળમેજીમાં વખતસર પહોંચી શકે એમ હતું, એટલે વાઈસરૉયે સીમલાથી સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી આપી. ભારે દોડધામ કરી, ગાંધીજીના શબ્દોમાં ‘મરણિયો ધસારો’ કરી દિલ્હીથી મુંબઈનો મેલ પકડ્યો અને સ્ટીમર પણ વખતસર પકડી.