પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બારડોલી તપાસ અને સંધિભંગ

વાઈસરૉયે બારડોલીમાં થયેલા જુલમો સંબંધમાં તપાસ આપી. જોકે તે તેના હૃદયપલટાનું ફળ નહોતું. ગાંધીજી વિલાયત જવા ઊપડ્યા ત્યાર પછીના સરકારના વર્તન ઉપરથી તેમ જ તે અરસામાં જ ગાંધીજીના તહોમતનામાના સરકારે જે ઉડાઉ જવાબો સરકારી ગૅઝેટમાં પ્રસિદ્ધ કર્યા તે ઉપરથી એ વસ્તુ જણાઈ આવે છે. પંડિત જવાહરલાલજી, ખાન અબદુલ ગફાર ખાન તથા સરદાર સીમલામાં ગાંધીજીની સાથે હતા જ. ત્રણેએ ગાંધીજીને આગ્રહપૂર્વક કહ્યું, તમે સુખેથી ગોળમેજીમાં જાઓ. અહીં અમે અમારું ફોડી લઈશું, કૉંગ્રેસ તરફથી સંધિનું પાલન બરાબર ન થયું એમ કહેવાવાને તેઓ એક પણ કારણ આપવા માગતા નહોતા. પણ બે હાથ વિના તાળી પડતી નથી. લોકોમાં કૉંગ્રેસની પ્રતિષ્ઠા જામે તે બ્રિટિશ અમલદારોથી ખમાતું નહોતું. વહેલામાં વહેલી તકે કૉંગ્રેસને પછાડવાની તેઓ પેરવી કરી રહ્યા હતા. તે માટે તેમણે કેવા પેંતરા ભરવા માંડ્યા તે જોઈએ.

પ્રથમ બારડોલીની તપાસ લઈએ. તપાસ કરવા માટે સરકારે નાસિક જિલ્લાના કલેક્ટર મિ. ગૉર્ડનની નિમણૂક કરી. નીચેના મુદ્દા ઉપર તપાસ કરીને તેમણે પોતાના રિપોર્ટ મોકલવાનો હતો :

૧. મહેસૂલ ઉઘરાવવામાં પોલીસ તરફથી જુલમ કરવામાં આવ્યો હતો કે કેમ ?
૨. પાંચમી માર્ચ પછી બારડોલી તાલુકાનાં બીજાં ગામોમાં પોલીસની મદદ વિના જે ધોરણે મહેસૂલ વસૂલ કરવામાં આવ્યું હતું તેના કરતાં ફરિયાદવાળાં ગામોમાં કડક ધોરણનો અમલ કરવાથી વધુ મહેસૂલ વસુલ આવ્યું હતું કે કેમ ? અને આવ્યું હોય તો એવી રીતે વસૂલ કરેલા મહેસૂલની રકમ કેટલી હતી ?

આ તપાસનું કામ તા. ૫મી ઑક્ટોબરથી બારડોલી મુકામે શરૂ થયું. કૉંગ્રેસ તથા ફરિયાદી ખાતેદારો તરફથી શ્રી ભૂલાભાઈ દેસાઈએ કેસ ચલાવ્યો. તેમની મદદમાં શ્રી ભોગીલાલ લાલા (લાલાકાકા) તથા હું હતા. પોતે કૉંગ્રેસના પ્રમુખ હોવાથી સરદારને બીજાં ઘણાં કામોમાં ધ્યાન આપવાનું હતું, છતાં વચમાં દિવાળીની રજાઓ આવી તે બાદ કરતાં તપાસ એક મહિના ઉપર ચાલી એ બધો વખત તેઓ બારડોલીમાં રહ્યા. કુલ અગિયાર ગામોની તપાસ કરવાની હતી. તપાસના મુદ્દાઓમાં મહેસૂલ વસૂલ કરવાના ધોરણનો ઉલ્લેખ

૭૦