પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
બારડોલી તપાસ અને સંધિભંગ

હતો. એ ધોરણ કયું, તે વિષે શ્રી ભૂલાભાઈ એ ગાંધીજીને વિલાયત કાગળ લખીને પુછાવ્યું. તેના જવાબમાં તેમણે લખી મોકલ્યું કે,

“બારડોલી અને બોરસદમાં મહેસૂલ વસૂલાતની બાબતમાં આરંભથી જ એવી સ્પષ્ટ સમજૂતી હતી કે જે ખાતેદારોને સવિનય ભંગની લડતને લીધે વેઠવું પડ્યું છે તેઓ નાણાં વ્યાજે લાવ્યા વિના પોતાથી બની શકે તેટલું ભરશે. આ વસ્તુ ખેડાના કલેક્ટર મિ. પેરી તથા તેમના અનુગામી મિ. ભદ્રપુર તેમ જ સુરતના કલેક્ટર મિ. કોઠાવાળા સાથે વાતચીતોમાં વારંવાર સ્પષ્ટ કરવામાં આવી હતી. તેમની સાથે ચાલેલા પત્રવ્યવહારથી મારા આ કથનને સમર્થન મળે છે. તપાસ કરનાર અમલદારને જે મુદ્દા ઉપર તપાસ કરવાની છે તેમાં જે ધોરણનો ઉલ્લેખ આવે છે તે બાબતમાં હું સ્પષ્ટ સમજું છું કે ધોરણનો અર્થે નાણાં વ્યાજે લાવ્યા વિના ખાતેદારની ભરવાની શક્તિ એ થાય છે.”

તપાસ ચાલતી હતી તે દરમ્યાન આ ‘ધોરણ’ વિષે શ્રી ભૂલાભાઈ એ તા. ૨૨-૧૦-’૩૧ના રોજ તપાસ અમલદાર મિ. ગોર્ડનને લાંબો કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે,

“સંધિની શરતો પ્રમાણે ખાતેદાર મહેસૂલ ભરી દેવા રાજી હોય પણ તેને ખરેખર મુદતની જરૂર હોય તો એવાઓને માટે ખાસ વિચાર કરવામાં આવશે અને જરૂર હશે તો જમીનમહેસૂલના વહીવટના સામાન્ય ધારાધોરણ પ્રમાણે મહેસૂલ મુલતવી રાખવામાં આવશે. આનો અર્થ એમ થાય કે મહેસૂલ મુલતવીનો વિચાર ઉદારતાથી કરવામાં આવે અને ખાતેદારને લડતના સંજોગોને કારણે અથવા બીજાં કુદરતી કારણોએ જો નુકસાન વેઠવું પડ્યું હોય તે ધ્યાનમાં લેવામાં આવે. આ બાબતમાં હિંદી સરકારે તેમ જ પ્રાંતિક સરકારે સ્થાનિક અમલદારોને સૂચનાઓ આપી જ હોવી જોઈએ. એ સૂચનાઓ અમને અત્યાર સુધી ઉપલબ્ધ થઈ નથી, સિવાય કે સરકારી અમલદારો અને કૉંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં તેનો જે કાંઈ સાર જાણવાનો મળ્યો હોય તે. એટલે સંધિ થઈ ત્યારથી તે તા. ર૭મી ઑગસ્ટ જે દિવસે વાઈસરૉય અને ગાંધીજી વચ્ચે ફરી સમજૂતી થઈ ત્યાં સુધીમાં આપવામાં આવેલી સૂચનાઓના બધા કાગળો આ કેસમાં રજૂ થવા જોઈએ. એના ઉપરથી પણ વસૂલાતનું તથા રાહતનું ‘ધોરણ’ નક્કી કરી શકાશે.”

કુલ અગિયાર ગામોમાંથી સાત ગામના તેસઠ ખાતેદારો અને તેમના એકોતેર સાક્ષીઓની જુબાની થઈ. આ સાતે ગામના ખાતેદારો પોતાને ગામે પોલીસોએ ધાડ પાડીને કેવો જુલમ કર્યો હતો તથા ભાતરોપણીની ખરી મોસમ ચાલતી હતી તે વખતે તેમના કામમાં કેવી અટકાયત કરવામાં આવી હતી તથા પોતાની પાસે નાણાં નહી હોવાથી કેવી રીતે વ્યાજે લાવીને તેમને મહેસૂલ ભરવું પડ્યું હતું તે હકીકત કહી ગયા. પછી સરકાર પક્ષના સાક્ષીઓની જુબાની લેવાનું શરૂ થયું. સરકારના પહેલા સાક્ષી તરીકે તાલુકાના મામલતદાર આવ્યા. ફરિયાદવાળા એક ગામ રાયમને વિષે તેમની જુબાની શરૂ થઈ.