પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
બારડોલી તપાસ અને સંધિભંગ

રાસના બારૈયા મુખીનો કેસ જોઈશું. જૂના પાટીદાર મુખીએ રાજીનામું આપેલું તેની જગ્યાએ ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં એને નીમવામાં આવેલો. એને નીમનાર મામલતદારે કલેક્ટરને એવો રિપોર્ટ કરેલો કે એની નિમણૂક કાયમી કરવામાં નથી આવી તેમ એને કાયમી કરવાની ખાતરી પણ આપવામાં નથી આવી. પાછળથી કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તો એવો દાખલો પણ શોધી કાઢ્યો કે ૧૯૨૯ની સાલમાં જ એક ફોજદારી ગુના માટે એને બે માસની સજા થયેલી. સંધિ પછી ખેડા જિલ્લાના કલેક્ટરે ગાંધીજીને કહેલું કે એ મુખીને રજા આપી એની જગ્યાએ જૂના પાટીદાર મુખીને લેવામાં આવશે. પણ થોડા જ વખતમાં એ કલેક્ટરની બદલી થઈ. નવા કલેક્ટરના ધ્યાન ઉપર આ વાત ઘણી વાર લાવવામાં આવી પણ કમિશનર મિ. ગૅરેટની દાનત પાટીદાર મુખીને નોકરીએ ચડાવવાની નહોતી, એટલે કાંઈ ને કાંઈ બહાનાં કાઢી બારૈયા મુખીને ચાલુ રાખ્યો. એના મુખીપણામાં ગામમાં ચોરીઓ વગેરે બહુ થવા માંડી અને પાટીદારોનો રંજાડ થવા માંડ્યો એટલે ગામના રક્ષણ માટે ખાસ પોલીસ મૂકી, પણ પેલા મુખીને બદલ્યો નહીં ! ગાંધીજી ગોળમેજીમાં ગયા પછી સરદારે કલેક્ટર અને કમિશનર સાથે આ બાબતમાં પત્રવ્યવહાર ચલાવવા માંડ્યો. તેમાં કાંઈ વળ્યું નહીં એટલે મુંબઈ સરકારના ગૃહમંત્રી મિ. મેક્સવૅલને લખ્યું. તેમાં જણાવ્યું કે,

“સરકારની સંધિપાલનની કેટલી શુદ્ધ દાનત છે તેની કસોટી તરીકે ગાંધીજી આ કેસને ગણતા હતા. તેથી બીજા ઘણા મુખીઓના કેસના ઝઘડા ચાલે છે પણ આ એક કેસ હું તમારા ધ્યાન ઉપર લાવું છું.”

સરકાર તરફથી આનો જે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો તે ઉપરથી સરકાર આ બાબતમાં કેટલી નફ્ફટ થઈ હતી તે દેખાઈ આવે છે. સરકારી જવાબમાં જણાવવામાં આવ્યું કે,

“મુખીને નીમનાર મામલતદારે તેને કાયમી નોકરીનું વચન નહીં આપેલું એ વાત સાચી. પણ ત્યાર પછી જાન્યુઆરી, ૧૯૩૧માં નવા મામલતદારે આ મુખીને કાયમી નોકરીનું વચન આપેલું, જોકે એણે એ વાતનો તરત રિપોર્ટ નહીં કરેલો, એટલે કલેક્ટરે જૂના રિપોર્ટ પર આધાર રાખી ગાંધીજીને કહેલું કે પાટીદાર મુખીને તેઓ નોકરી પર ચડાવશે.”

ફોજદારી ગુનાને માટે થયેલી સજાની બાબતમાં જણાવ્યું કે,

“હવે તેની ચાલચલગત બહુ સારી છે એટલે કમિશનર સાહેબે સજા પામ્યાને કારણે એની ગેરલાયકાત દરગુજર કરવાનું યોગ્ય ધાર્યું છે ! સંખ્યાબંધ સજા પામેલા કેદીઓને સંધિની રૂએ સરકારે છોડી મૂક્યા છે અને તેમની ગેરલાયકાત દરગુજર કરી છે (રાજદ્વારી કેદીઓને મુક્તિ આપવામાં આવી તેની ભાઈસાહેબ વાત કરે છે) તો પછી આ બારૈયા પટેલની બાબતમાં ઓછી ઉદાર નીતિ રાખવાનું કોઈ કારણ નથી !”