પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સરદાર વલ્લભભાઈ


ત્રીજી દલીલ એ પણ કરી કે,

“જો પાટીદાર મુખીને લેવામાં આવશે તો સરકારને એમ લાગે છે કે બારૈયા વસ્તીની બહુ કનડગત થશે !”

બારૈયાના મુખીપણામાં પાટીદારની કનડગત થતી હતી એ વાત જ જવાબમાં ખાઈ જવાઈ. સરદારે પોતાના જવાબમાં આના સચોટ રદિયા આપ્યા, કાયદાની કલમો ટાંકી બતાવી પણ સરકારને ન્યાય ક્યાં જોવો હતો ? લડતમાં જોડાયેલા પાટીદારોને ખામુખા પજવવાને માટે જ પોતે જે મુખીઓને પટલાઈ આપી હતી, તેને કાઢે તો પોતાની આબરૂ જાય અને એટલી કૉંગ્રેસની આબરૂ વધે. એ એને નહોતું કરવું.

આ વખતે યુક્ત પ્રાંતોના મથુરા જિલ્લામાં સરકારે કૉંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓને કેદ પકડીને, ગામડાંઓ ઉપર પોલીસની ધાડ પાડીને તથા ગામડાંના લોકો ઉપર તેમ જ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર લાઠીઓ ચલાવીને સંધિની શરતોનો છડેચોક ભંગ કરવા માંડ્યો હતો. કૉંગ્રેસે આ વિષે ફરિયાદ કરી ત્યારે પ્રાંતિક સરકાર પોતાના અમલદારોના ગેરકાયદે અને જુલમી વર્તન વિષે નામુકર ગઈ. પણ એમાંથી થોડા કેસો હાઈકોર્ટમાં ગયા, તેમાં જે કૉંગ્રેસીઓને પહેલી કોર્ટે સજા કરેલી તે બધાને હાઈકોર્ટ તરફથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા. એક મુકદ્દમો સેશન્સ જજ આગળ ચાલ્યો તેમાં એણે એવો ચુકાદો આપ્યો કે, “પોલીસ સબ ઈન્સ્પેક્ટર અમીન અને જમીનદાર એ બધાએ આરોપીઓ ઉપર છૂપું કાવતરું રચ્યું હતું.” બીજા એક ચુકાદામાં ન્યાયાધીશે કહ્યું કે, “જ્યારે ફરિયાદી અને બીજા કૉંગ્રેસીઓએ સભા ભરી હતી, ત્યારે કેટલાક પોલીસવાળાઓએ ત્યાં જઈને પોલીસ સ્ટેશનના વડાની આંખ સામે જ એક માણસ ઉપર હુમલો કર્યો હતો એ વસ્તુ ખરેખર દિલગીર થવા જેવી છે.” કૉંગ્રેસવાળાઓએ બોલાવેલી એક સભાને પોલીસોએ જે જંગલી રીતે અટકાવી હતી તે વિષે એક ન્યાયાધીશ કહે છે :

“અધિકારીઓની એવી મરજી હતી તો તેમણે સભા ન ભરવાની મનાઇ હુકમ કાઢવો જોઈતો હતો. મનાઈ હોવા છતાં જો સભા ભરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો તેને લાઠી ચલાવીને વિખેરી નાખી શકત. પરંતુ તેને આવી ગુંડાશાહી ચલાવીને અટકાવવાની જરાયે જરૂર નહોતી. પોલીસે પ્રથમ તો જેટલાને તે પકડવા માગતી હતી તે બધાને પકડી લીધા અને ત્યાર બાદ એવું કહેનારા સાક્ષીઓ ઊભા કર્યા કે તે બધાએ હુલ્લડમાં ભાગ લીધો હતો.”

મોટા આર્થિક સંકટના સમયમાં અને મહેસૂલ ઉઘરાવવાનો સમય લાંબા વખતથી પૂરો થઈ ગયો હોવા છતાં એટલે કે ભર ચોમાસામાં જબરદસ્તી, જપ્તીઓ અને જમીનોનો કબજો લઈ લેવાનું કામ ચાલુ હતું. છેક સપ્ટેમ્બર માસમાં મહેસૂલી અમલદારો પોલીસનાં મોટાં ધાડાં લઈ વસૂલાત માટે ગામડાં ઉપર જઈ હુમલા અને મારપીટ કરતા હતા. યુક્ત પ્રાંતના