પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
બારડોલી તપાસ અને સંધિભંગ

પોલીસો અને મહેસૂલી અમલદારોને, કિસાનોને ‘મુર્ગા’ બનાવવાનું એટલે કે કૂકડાની સ્થિતિમાં ઊભા રાખવાનું બહુ ગમી ગયું હતું. પોલીસોના મારમાંથી ઘરડા માણસો પણ બચી જવા પામતા નહીં, એક ગામમાં ત્યાંના બધા જ લોકો એટલે લગભગ પાંચસો માણસો, પોલીસો અને મહેસૂલ ખાતાના અમલદારોના ત્રાસથી નાસી જઈ ને પાસેનાં જંગલોમાં સંતાઈ ગયા હતા.

અલ્લાહાબાદ જિલ્લામાં પણ લગભગ આવી જ સ્થિતિ હતી. જુદા જુદા જિલ્લાના અધિકારીઓ અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યા બાદ સરકારી અમલદારોએ અને કૉંગ્રેસી નેતાઓએ એક પરિષદમાં મળી મસલત કરવી એમ નક્કી થયું. પણ તા. ૧પમી નવેમ્બરે હપ્તો શરુ થતો હતો ત્યાં સુધી પરિષદ ભરી શકાઈ નહીં અને વાટાઘાટો ચાલુ હતી છતાં અમલદારોએ તાકીદ કરી હપ્તાની વસૂલાત કરવા માંડી. છેલ્લાં બે વરસો ખરાબ આવેલાં હોવાથી કિસાનો હેરાન હેરાન થઈ ગયેલા હતા. તેમની પાસે સરકારધારો ભરવાનાં કશાં સાધનો નહોતાં, એટલે તેમની ઘરવખરી વેચાઈ જવાની તથા જમીન ઉપરથી કાઢી મુકાવાની સ્થિતિમાં તેઓ આવી પડ્યા. તેઓ કૉંગ્રેસ કમિટીની સલાહ પૂછવા લાગ્યા. સરકાર સાથે રાહતને માટે ચાલી રહેલા સંદેશાઓ પૂરા ન થાય ત્યાં સુધી ભરણું ભરવાનું મુલતવી રાખવાની સલાહ આપવા સિવાય બીજો ઉપાય કૉંગ્રેસ પાસે ન હતો.

આ સલાહથી સરકાર તો એકદમ છેડાઈ પડી અને યુક્ત પ્રાંતની પ્રાંતિક સમિતિના પ્રમુખને જણાવી દીધું કે હપ્તો ન ભરવાની સલાહ જ્યાં સુધી પાછી ન ખેંચી લેવાય ત્યાં સુધી હવે કશી વાટાઘાટો થઈ શકે નહીંં. તા. ૨૫–૧૧–’૩૧ના રોજ પ્રાંતિક સમિતિના પ્રમુખે જવાબ આપ્યો કે તમે હપ્તો વસૂલ કરવાનું થોડા વખત માટે મુલતવી રાખો તો અમારી સલાહ અમે એકદમ પાછી ખેંચી લઈએ. પણ એક તરફથી આપણી વચ્ચે વાટાઘાટો ચાલે અને બીજી તરફથી હપ્તાની વસૂલાતનો તમારો કોરડો તો વીંઝાતો જ હોય ત્યાં અમે કિસાનોને કશી સલાહ ન આપીએ એ કેમ બને?

તા. ૨૮–૧૧–’૩૧ના રોજ સરદારે કૉંગ્રેસના પ્રમુખ તરીકે હિંદ સરકારના ગૃહમંત્રી મિ. ઈમર્સનને લખ્યું :

“બંને પક્ષ વચ્ચે સમજૂતીથી એટલું તો સહેજે ગોઠવી શકાય કે સરકાર તરફથી વસૂલાતનું કામ થોડા વખત માટે મુલતવી રહે અને કૉંગ્રેસ સમિતિનો ગણોત નહીં ભરવાની સલાહ આપતો ઠરાવ પણ મોકૂફ રહે. તેથી સરકારને અથવા જમીનદારને કશી હરકત આવે એમ નથી. યુક્ત પ્રાંતોમાં સુલેહ જળવાઈ રહે તે માટે કૉંગ્રેસ બહુ આતુર છે. હું આપને ભારપૂર્વક વિનંતી કરું છું કે મારી સૂચનાનો સરકાર સ્વીકાર કરે. હજી પણ રસ્તો કાઢવાની ચર્ચાને માટે અવકાશ છે.”