પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
સરદાર વલ્લભભાઈ


પણ સરકાર તો બીજી કશી વાત સાંભળવા તૈયાર નહોતી. એણે પૂંછડું પકડી રાખ્યું.

પ્રાંતિક સમિતિ ગણોત ન ભરવાનો ઠરાવ કરે તોપણ તેનો અમલ કૉંગ્રેસ પ્રમુખની સંમતિ મેળવીને જ કરે એવો કૉંગ્રેસ કારોબારીનો ઠરાવ હતો. એટલે એણે સરદારની પરવાનગી માગી. સરકારે પ્રાંતિક સમિતિને લખ્યું કે,

“જેમને લાગતુંવળગતું છે એવા બધા કિસાનો અને કાર્યકર્તાઓને જે દુઃખો તેમને સહેવાં પડશે તથા જે ભોગો તેમને આપવા પડશે તે વિષે તથા લડત દરમ્યાન ગમે તેટલી ઉશ્કેરણી કે સંકટ હોવા છતાં, સંપૂર્ણ અહિંસક વાતાવરણ રાખવાની જરૂર વિષે બધાને માહિતગાર કરો, અને અહિંસા જાળવવાની પૂરી ખબરદારી રાખી ભલે પગલું ભરો.”

આના જવાબમાં યુક્ત પ્રાંતની સરકારે ડિસેમ્બરની પંદરમી તારીખે લાંબો ઑર્ડિનન્સ બહાર પાડીને કૉંગ્રેસ અને પ્રજા ઉપર હુમલો કર્યો.

એ ઑર્ડિનન્સનો સાર એ હતો કે,

“લોકોને સાંથ ભરવાનું મોકૂફ રાખવાનું કહેવું એ સખત મજૂરીની શિક્ષાવાળો ગુનો છે. કોઈ પણ વિભાગના રહેવાસીઓ સરકારી મહેસૂલને નુકસાન થાય એવાં કામ કરી રહ્યા છે, અથવા તો એવાં કામ કરનારા લોકોને આશરો આપી રહ્યા છે, એવું સરકારને લાગે તો તે બધાને સામટો દંડ કરી શકે. અને તે દંડ પણ કાયદેસર પૂર્વતપાસ કર્યા વિના કે પછીથી અદાલતમાં ફરિયાદ કરવા દીધા સિવાય માત્ર જાહેરાત કરીને વસૂલ કરવામાં આવે. સ્થાનિક સરકાર તેમ જ જિલ્લાના અમલદારો કોઈ પણ માણસને અમુક હદમાં પુરાઈ રહેવાના કે અમુક હદની બહાર રહેવાના કે બીજી કોઈ પણ રીતે તેની હિલચાલ ઉપર અંકુશ મૂકવાના કોઈ પણ હુકમ કાઢી શકે, અને તે સામે કાંઈ પણ ફરિયાદ થઈ ન શકે. કોઈ પણ મકાન અને તેમાંને ખાધાખોરાકી સાથેનો સામાન કબજે લઈ પોલીસ કે લશ્કરી સત્તાવાળાઓના તાબામાં રાખી શકાય. જિલ્લાના અમલદારો કોઈ પણ માણસને ખાનગી કે જાહેર વાહનોનો ઉપયોગ કરવાની બંધી કરી શકે. કોઈ પણ સ્થળ પર ધાડ લઈ જઈ તેની ઝડતી લેવામાં આવે અને ઑર્ડિનન્સ હેઠળ ગુનો કરવા એટલે કે લોકોને સાંથ ન ભરવાનું સમજાવવા ત્યાં તૈયારી કરવામાં આવી છે એવું જણાવીને ત્યાંનો સરસામાન જપ્ત કરવામાં પણ આવે.”

રાજાજી જે તે વખતે ગાંધીજીની ગેરહાજરીમાં ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન કરતા હતા, તેમણે ઑર્ડિનન્સ ઉપર ટીકા કરતાં લખ્યું :

“સંકટ માટે રાહતની બૂમ ઉઠાવી રહેલી એક આખી પ્રજા સામે આવું હથિયાર ઉગામવું એ રાજનીતિનું દેવાળું છે અને જુલમ છે. સત્યાગ્રહના દૃષ્ટિબિંદુથી તો આ ઑર્ડિનન્સે લડતને હતી તેનાથી વધુ સહેલી કરી મૂકી છે. ખેડૂતોનાં સંકટો અને બલિદાનોમાં ભાગ લેવાનો રસ્તો બધા વર્ગો માટે ખુલ્લો કરી મૂક્યો છે.”