પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
બારડોલી તપાસ અને સંધિભંગ


સરહદ પ્રાંતમાં પણ જમીનમહેસૂલ વસૂલ કરવા તથા ખુદાઈ ખિદમતગારોને ત્રાસ આપવા અમાનુષી અત્યાચારો થઈ રહ્યા હતા. તે યુક્ત પ્રાંતોના અત્યાચારોનું ઉપર જે વર્ણન આપ્યું છે તે કરતાં પણ ભયંકર હતા. એ અત્યાચારોથી સરકાર ત્યાંના લોકોને દબાવી કે ડરાવી ન શકી એટલે ત્યાં પણ યુક્ત પ્રાંતના જેવો જ ઑડિનન્સ તા. ૨૪મી ડિસેમ્બરના રોજ સરકારે બહાર પાડ્યો. સરહદ પ્રાંતના ચીફ કમિશનરે તા. રરમી ડિસેમ્બરના રોજ બોલાવેલા દરબારમાં જવાનો ખાન અબદુલ ગફારખાને ઇન્કાર કર્યો અને ઉતમનઝાઈમાં મળેલી પ્રાંતિક સમિતિની બેઠકમાં ભાષણ કર્યું કે પૂર્ણ સ્વરાજ્યથી જરા પણ ઓછું આપણને કબૂલ નથી. એને તેમના મોટા ગુના ગણી એ ઑર્ડિનનસની રૂએ એમને અને તેમના ભાઈ ડૉ. ખાનસાહેબને ગિરફતાર કરવામાં આવ્યા. સરકારને મન એમનો મોટો ગુનો તો એ હતો કે એમણે પોતાના હાથ તળે કામ કરતી સરહદ પ્રાંતની બધી સંસ્થાઓને કૉંગ્રેસના છત્ર તળે મૂકી દીધી હતી, પછી સરકારી હુકમનો અનાદર કરી એકઠા થયેલા લાલ ખમીસવાળા ખુદાઈ ખિદમતગારો ઉપર ઘાતકી ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં સરકારી રિપોર્ટ પ્રમાણે ૧૪ મરી ગયા અને ૨૮ ઘાયલ થયા. ફાધર એલ્વિન જેમણે સ્થળ ઉપર જઈ જાતે તપાસ કરી હતી તેમણે કહ્યું કે મરાયેલાની સંખ્યા ઓછામાં ઓછી ૫૦ હોવી જોઈએ.

બંગાળમાં આ વખતે અમલદારો ઉપર છૂટાછવાચા ખૂની હુમલાના કેસો બનતા હતા. સરકારે એને બહુ મોટું રૂપ આપ્યું, અને લોકો તરફની આવી છુટીછવાઈ ખુનામરકીને ક્યાંય ચડી જાય એવી વ્યવસ્થિત ખુનામરકી આદરી. ચટગાંવમાં કેટલાક બિનસરકારી યુરોપિયનોએ અને ગુંડાઓએ એક છાપખાનું જે સરકારી ગુંડાગીરીની વિરુદ્ધ લખવાની ધૃષ્ટતા કરતું હતું, તેના ઉપર રાત્રે હુમલો કરી છાપખાનાની તમામ મશીનરી તોડી નાખી અને એના માણસોને માર્યા. આવા હુમલા સામે આત્મરક્ષણ સારુ લોકોએ જે થોડા કંઈ ઉપાયો લીધા તેને મોટા હુલ્લડનું રૂપ આપવામાં આવ્યું અને ઑગસ્ટની ૩૧મી તથા ત્યાર પછીના ત્રણ દિવસ સુધી ગોરા તેમ જ કાળા ગુંડાઓએ આખા ચટગાંવમાં માતેલા આખલાઓની જેમ ઘૂમી ત્રાસ વર્તાવ્યો. તેમાં સ્થાનિક પોલીસ અને મૅજિસ્ટ્રેટો પણ ભળ્યા. કૉંગ્રેસ તરફથી આ તોફાનો બાબત તપાસ કરવામાં આવી. એ તપાસ સમિતિના નિવેદન ઉપર કૉંગ્રેસની કારોબારી સમિતિએ વિચાર કરી ઠરાવ કર્યો કે,

“સ્થાનિક પોલીસ અને મૅજિસ્ટ્રેટોએ કેટલાક ગોરા અને કાળા ગુંડાઓની મદદથી કેર વર્તાવવાની નીતિને અનુસરીને પ્રજાનું જે ભયંકર નુકસાન અને