પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
બારડોલી તપાસ અને સંધિભંગ
થાય. પણ આપનો ચોક્કસ અભિપ્રાય છે કે હાજરી આવશ્યક છે, એટલે સંજોગો આય વધુ જાણો. તેથી કમિટી છેવટનો નિર્ણય કરવાનું આપના ઉપર છોડે છે. અહીં તો સ્થિતિ વધુ ને વધુ બારીક થતી જાય છે. સરકારનું વલણ સામાન્ય રીતે ઘણું વધારે બગડ્યું છે. બંગાળની સ્થિતિ વધુ બગડતી જાય છે. સરહદમાં જુલમ વધતો જાય છે. કેટલીક જગ્યાએ તો કશી પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. યુક્ત પ્રાંતોમાં નાકરની લડત વહેલી ઉપાડવાનું અનિવાર્ય જણાય છે. બારડોલીની તપાસમાં કામ સંતોષ થાય એવી રીતે નથી ચાલતું તેથી અને બીજાં કારણોસર પણ એમાંથી નીકળી જવું પડશે એમ લાગે છે. વહેલા આવો એ ઇચ્છવા જેવું છે. યુરોપમાં વધુ દિવસ ગાળસો તેથી અહીંનું કામ ચુંથાશે.”

સરકારનો ત્રાસ અને જુલમ તો ચાલુ જ હતો. એટલે તા. ૨૩–૧૧–’૩૧ના રોજ સરદારે ગાંધીજીને બીજો તાર કર્યો :

“હિજલી અને ચટગાંવની બાબતમાં હજી કાંઈ થયું નથી. કશા કારણ વિના ધરપકડો ચાલુ છે. અટકાયતીઓની સંખ્યા એક હજાર પર પહોંચી છે. દરરોજ કોડીબંધ માણસને પકડવામાં આવે છે. તેમાં કૉંગ્રેસના કાર્યકતાઓ પણ હોય છે. હિજલી અને ચટગાંવના અત્યાચારો સામે વિરોધ કરનારાઓ ઉપર રાજદ્રોહના મુકદ્દમા ચલાવવામાં આવે છે. તાજેતરમાં ઢાકામાં ચટગાંવનું નાનું પુનરાવર્તન થયું છે. ત્યાં નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ઉપર પોલીસે બેશરમ ત્રાસ વર્તાવ્યો છે. બંગાળના યુરોપિયનો વધુ દમનની આગ્રહપૂર્વક માગણી કર્યાં કરે છે. સરકાર તેમનું માને છે. લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો છે. યુવાન વર્ગમાં નિરાશાનું મરણિયાપણું આવ્યું છે. યુક્ત પ્રાંતનું તો તમે જાણો છે. આંધ્રમાં કૃષ્ણા અને ગોદાવરી જિલ્લામાં સરકારે પોતે નીમેલી કમિટીનો એકમતે જુદો અભિપ્રાય હોવા છતાં તથા ધારાસભાનો પણ વિરોધ હોવા છતાં સરકારે મહેસૂલમાં વધારો કર્યો છે. તેની સામે જાગેલા વિરોધને અટકાવવા જામીન લેવાની અને રાજદ્રોહની કલમોનો ઉપયોગ થઈ રહ્યો છે, એટલે ત્યાંની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. આશ્રમમાં ઇમામ સાહેબને રોજ તાવ આવે છે. પણ હવે થૂંકમાં લોહી પડતું નથી. તાત્કાલિક કાંઈ ચિંતા જેવું નથી. —વલ્લભભાઈ ”

છેવટે ૩૦મી નવેમ્બરે આખા બંગાળ ઉપર ઑર્ડિનન્સ જાહેર કરીને સરકારે કાયદાને અને કાયદાની અદાલતોને ઊંચી મૂકી. ઑર્ડિનન્સની ભાષા એવી હતી કે આખા પ્રાંતમાં જાણે મોટો બળવો ફાટી નીકળ્યો હોય અને તેથી ભયભીત થઈને સરકાર પોતાના આત્મરક્ષણ માટે આ ઉપાયો લેતી હોય ! પરંતુ આ ઑર્ડિનન્સથી પણ જે છુટ્ટાછવાયા ખુનામરકીના કેસો બનતા હતા તે સરકાર દબાવી શકી નહીં.

આ બધાં કરતૂતોને માથે કળશ ચડાવવા, જે મીઠા માટે આટઆટલાં માથાં ફૂટ્યાં હતાં, તે મીઠાના કરમાં વધારો કરવાની દરખાસ્ત સરકારે આણી. આમાં તો ચોખ્ખો સંધિભંગ અને વિશ્વાસઘાત હતો. વળી આ વખતે ઇંગ્લંડે પોતાની પાસે સોનાની તંગી હોવાને લીધે સોનાચલણ છોડી