પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સરદાર વલ્લભભાઈ

દીધું એટલે તેના પાઉન્ડની કિંમત દુનિયાના બજારમાં ઘટી ગઈ. પ્રશ્ન એ હતો કે આવા ગગડી ગયેલા પાઉન્ડ સાથે હિંદુસ્તાનના રૂપિયાને જોડેલો રાખવો કે કેમ ? જોડેલો રાખવામાં હિંદને ભારે નુકસાન હતું. પણ હિંદુસ્તાનની સરકારને હિંદનું હિત ક્યાં જોવાનું હતું ? તે તો ઇંગ્લંડના હિતને પ્રાધાન્ય આપતી હતી. એટલે આપણો રૂપિયો પાઉન્ડ સાથે જોડાયેલો રહ્યો. આ બંને સામે કૉંગ્રેસની કારોબારીએ વિરોધ દર્શાવતા ઠરાવો કર્યા.

આમ સંધિને નેવે મૂકીને સરકાર જ્યારે હિંદુસ્તાનમાં ખુલ્લી દમનનીતિ ચલાવી રહી હતી ત્યારે ગાંધીજી પોતાનાં ગોળમેજીનાં ભાષણો દ્વારા દુનિયાની પ્રજા સમક્ષ હિંદુસ્તાનનો કેસ રજૂ કરતા હતા. પણ બ્રિટિશ મુત્સદ્દીઓ આગળ તો એમનાં ભાષણો અરણ્યરુદન જેવાં નીવડ્યાં હતાં. ગાંધી–અર્વિન કરાર પછી થોડા જ વખતમાં ઇંગ્લંડમાં કન્ઝર્વેટિવ પક્ષ સત્તા ઉપર આવ્યો હતો તે કૉંગ્રેસને કચડી નાખવાને કૃતનિશ્ચય થઈને બેઠો હતો. મહાદેવભાઇના સરદાર ઉપરના તા. ૨૮–૧૧–’૩૧ના રોજ લંડનથી લખેલા કાગળમાં ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે :

“આ ટાઈપ થઈ ગયા પછી બાપુની પાસેથી જાણ્યું કે તેઓ તો તદ્દન લડીને આવ્યા છે અને આવતા શુક્રવારે તો માત્ર સરકારની છેવટની ચેતવણી સાંભળવા જવાના છે. ચેતવણી હજી વધારે શી આપવાની હશે ? કાલે જ સર સેમ્યુઅલ હોર સાથે વાત થઈ તેમાં એણે બાપુને કહેલું: “અમારે કૉંગ્રેસને છુંદી નાખવી પડશે માટે તૈયાર રહેજો. અમે કૉંગ્રેસને રહેવા ન દઈ શકીએ. કારણ કૉંગ્રેસ એટલે ક્રાંતિ એમ તમારી વાત પરથી અમે સમજ્યા છીએ. માટે તો તમે (સરદાર) પણ તૈયારી રાખજો. કદાચ મળવા પણ ન પામીએ. જે વ્યવસ્થા કરવી ઘટે તે કરી દેજો. ત્યાં આવ્યા પછી ભાગ્યે જ વધારે દિવસ છૂટા રહેવાય.”

આ તરફથી હિંદ સરકારે તો બરાબર તૈયારીઓ કરી જ હતી. ત્રણ ઑર્ડિનન્સો તો કાઢી દીધા હતા અને બીજા તૈયાર રાખ્યા હતા. તેની એક નેમ તો એ હશે કે ખાન અબદુલ ગફારખાન તથા પંડિત જવાહરલાલ ગાંધીજીને મળવા ન પામે. એટલે ખાન અબદુલ ગફારખાનને તા. ર૬ મી ડિસેમ્બરે પકડ્યા હતા અને પંડિત જવાહરલાલ ગાંધીજીને મળવા મુંબઈ જતા હતા ત્યાં રસ્તામાં જ તેમને યુક્ત પ્રાંતોની પ્રાંતિક સમિતિના પ્રમુખ જ. શેરવાણીને અને બાબુ પુરુષોત્તમદાસ ટંડનને પકડી લીધા. સરદારને કેમ છૂટા રાખ્યા હશે ? તેમને પકડવાનું બહાનું શોધવું મુશ્કેલ પડ્યું હશે ?

આવી સ્થિતિમાં તા. ર૮મી ડિસેમ્બરે ગાંધીજી મુંબઈ ઊતર્યા.