પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સરદાર વલ્લભભાઈ
કરીશ. તમારામાંથી કોઈ સરકારના કાને પહોંચી શકતા હો તો મને રજા મેળવી આપો. મારે ઊંધી રીતે સત્યાગ્રહ કરીને બેવકૂફ નથી બનવું. મારે સીધી રીતે સત્યાગ્રહ કરીને સરકારને બેવકૂફ બનાવવી છે. આવા ઑર્ડિનન્સના દાવાનળમાં તમે નવા રાજબંધારણનું ઘડતર ઘડાવવા માગો છો ! ઑર્ડિનન્સરાજ અમે કબૂલ કરીએ એ અમારી શરમ છે. ઇંગ્લંડ ઑર્ડિનન્સથી રાજ ચલાવે એ એની શરમ છે.”
પ્રશ્ન : “પણ તમે હિંસક પ્રવૃત્તિ દૂર કરવાનો જ ધંધો શા માટે નથી લઈ બેસતા ?”
ગાંધીજી: “એ જ ધંધો લઈ બેઠો છું. પણ તમારે રસ્તે નહીં, મારે રસ્તે. સત્યાગ્રહથી હિંસક પ્રવૃત્તિ છેક નાબૂદ નહીં તો ઘણી ઓછી થઈ છે એવો મારો દાવો છે.”
પ્રશ્ન : “પણ આકરા રોગના આકરા ઇલાજ ન હોય ?”
ગાંધીજી: “હા હોય. પણ લાલ ખમીસવાળાને દબાવવાને માટે ગોળી ચલાવવાના ઉપાય ન હોય. તમે રોગનિવારણની વાત નથી કરતા. રોગીનો પ્રાણ લઈને રોગનો નાશ કરવાની વાત કરી છે. હું સહકારને માટે તો તલપી રહ્યો છું. પણ સહકારનાં કિરણ ક્યાં છે ? હે ખ્રિસ્તી અંગ્રેજો, આ નાતાલના દિવસોમાં તમારા હૃદય તપાસો, અમારી પ્રવૃત્તિનો અભ્યાસ કરો. અમારા લોકોને મળો, અને જુઓ કે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે.”

ગાંધીજીએ વાઈસરૉય ઉપરના તારની સાથે, સંતોષકારક જવાબ ન મળે તો દેશને સવિનય ભંગની લડત ઉપાડવાની સલાહ આપતો અને લડતનો કાર્યક્રમ જણાવતો કારોબારી સમિતિનો ઠરાવ મોકલી આપ્યો હતો. તેના જવાબમાં તા. ૨–૧–’૩રના રોજ વાઈસરૉયે તાર કર્યો. તેમાં જણાવ્યું કે,

“એક તરફથી તમે અને કૉંગ્રેસની કારોબારી સમિતિ સવિનયભંગ ફરી ચાલુ કરવાની ધમકી આપો છો અને બીજી તરફથી વાઈસરૉય સાથે મુલાકાતની આશા સેવો છો. પણ નામદાર વાઈસરૉય અને તેમની સરકારના સમજવામાં નથી આવતું કે આવી સ્થિતિમાં કશો લાભ થવાની આશા રાખીને એ શી રીતે મુલાકાતનું આમંત્રણ આપી શકે ? કૉંગ્રેસે જે પગલું લેવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે તે પગલાંનાં જે કંઈ પરિણામો આવશે તે માટે તમને અને કૉંગ્રેસને સરકાર જવાબદાર ગણશે. અને એ પગલાંને પહોંચી વળવાને સરકારને જે આવશ્યક પગલાં લેવાં પડે તે એ ભરશે.”

ગાંધીજીએ તા. ૩જીએ તાર કરીને આનો જવાબ આપ્યો. તેમાં જણાવ્યું કે,

“કૉંગ્રેસે પોતાનો પ્રામાણિક અભિપ્રાય બતાવ્યો છે તેને તમે ધમકી ગણો છો એ બરોબર નથી. લંડનમાં જતાં પહેલાં ગયા ઓગસ્ટમાં સરકાર સાથે જે સમજૂતી થઈ તેમાં પણ મેં જણાવ્યું જ હતું કે, અમુક સંજોગોમાં કૉંગ્રેસને સવિનયભંગનો આશરો લેવો પડે, ત્યારે તમે સમજૂતી ભાંગી પાડી નહોતી. સરકારને એ વાત નહોતી ગમતી તો મને લંડન મોકલવો જોઈતો નહોતો. ઊલટું નામદાર