પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ગાંધીજી અને સરદારની ગિરફતારી : સરકારનું દમનચક્ર
વાઈસરૉયે પોતાના આશીર્વાદ આપીને મને લંડન મોકલ્યો. મારો દાવો એવો છે કે મારા તારનો સરકારે બીજો કશો અર્થ કાઢવો જોઈએ નહીં. કોની સ્થિતિ સાચી છે એ તો વખત બતાવી આપશે. દરમ્યાન હું સરકારને ખાતરી આપવા માગું છું કે લડત દ્વેષભાવ વિના અને પૂર્ણ અહિંસક રીતે ચલાવવામાં કૉંગ્રેસ તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવશે. કૉંગ્રેસને અને તેના પ્રતિનિધિ તરીકે મને ભાગ્યે જ એ યાદ દેવડાવવાની જરૂર હતી કે અમારાં કૃત્યોનાં તમામ પરિણામ માટે અમે જવાબદાર ગણાઈશું.”

સરકાર તરફથી લડાઈની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. તા. ૪–૧–’૩રના રોજ પરોઢિયે ગાંધીજીને અને સરદારને મુંબઈમાંથી પકડી લેવામાં આવ્યા, અને તે દિવસે સવારે આખા હિંદુસ્તાનને લાગુ પડતા નવા ઑડિનન્સો બહાર પાડવામાં આવ્યા. જે નેતાઓ મુંબઈમાં એકઠા થયા હતા તેઓને પોતપોતાના પ્રાંતમાં પહોંચતાં જ સ્ટેશન ઉપરથી પકડી લેવામાં આવ્યા. આ બે ત્રણ દિવસમાં દેશના એકેએક સ્થળમાંથી આગેવાન કાર્યકર્તાઓને પણ પકડી લેવામાં આવ્યા. બીજા કોઈ સભાઓ ભરે કે સરઘસ કાઢે તેમના ઉપર લાઠીના હુમલા કરવાનું, ઘોડેસવાર દોડાવવાનું તથા ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું. તમામ કૉંગ્રેસ ઑફિસો, આશ્રમ અને છાવણીઓ જપ્ત કરવામાં આવી. એમ કહેવાય છે કે દેશમાં બધે છ અઠવાડિયાની અંદર પોતે શાંતિ સ્થાપી દેશે અને કૉંગ્રેસનું નામનિશાન રહેવા દેશે નહીં એવી આશા લૉર્ડ વિલિંંગ્ડને તો સેવેલી. લોકોએ સામેથી સખત લડત આપીને તેમની આશા ફળીભૂત ન થવા દીધી.

૫ં. માલવીજીએ તા. ૨૮–૨–’૩૨ના રોજ એક લાંબા તાર લંડનનાં વર્તમાનપત્રોને તેમની માગણીથી મોકલવાનો પ્રયત્ન કરેલ. જોકે એક યા બીજે બહાને અહીંથી તાર જવા દેવામાં ન આવ્યો. પણ એ ઉપરથી તે વખતની દેશની સ્થિતિનું તાદૃશ ચિત્ર આપણને મળે છે. આ રહ્યો એ તાર :

“હિંદુસ્તાનની રાજકીય પરિસ્થિતિ વિષે તા. ૧૫મી ફેબ્રુઆરીના રોજ પાર્લમેન્ટમાં સર સેમ્યુઅલ હોરના જવાબની નકલ ફેરવવામાં આવી છે, જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પરિસ્થિતિમાં સરકારની દૃષ્ટિએ ઘણી બાબતોમાં સુધારો થવા પામ્યો છે. મારે કહેવું જોઈએ કે એ વસ્તુ ખોટી અને ગેરરસ્તે દોરનારી છે. સર સેમ્યુઅલ હોરે પોતાના જવાબમાં કબૂલ કર્યું છે કે અત્યારે બૉયકૉટ એ કૉંગ્રેસની મુખ્ય પ્રવૃત્તિ છે. આ વખત સવિનયભંગની ચળવળ શરૂ કરવામાં આવી ત્યારથી જ બૉયકૉટ એ કૉંગ્રેસની મુખ્ય પ્રવૃત્તિ રહેલી છે અને તે ઢીલી પડવાનાં કશાં ચિહ્નો દેખાયાં નથી. ઊલટું એ પ્રવૃત્તિનાં મૂળ ઊંડાં ગયાં છે. દેશના ખૂણે ખૂણે એ ફેલાઈ છે, અને આખા દેશમાં બધે વ્યાપી વળી છે. શહેરોમાં સામાન્ય રીતે સંખ્યાબંધ વેપારીઓ પરદેશી કાપડને તથા બ્રિટિશ માલનો ઑર્ડર આપતા નથી. કેટલીય જગ્યાએ તેમણે પોતાનો આવો માલ