પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
યરવડા જેલમાં ગાંધીજીની સાથે
સંખ્યામાં ચળવળમાં જોડાતા જાય છે. આખો દેશ તીવ્ર અસંતોષથી ખળભળી ઊઠ્યો છે. જેઓ કૉંગ્રેસમાં નથી એવા પણ અને જેઓએ કોઈ દિવસ પણ રાજકારણ સાથે કશી નિસ્બત રાખી નથી એવા પણ આ ચળવળ સાથે સહાનુભૂતિ ધરાવતા અને બની શકે ત્યાં એને મદદ કરતા થઈ ગયા છે. વેપારધંધો તો પાયમાલ થઈ ગયો છે. સરકારની આબરૂ કશી રહી જ નથી. તેની નાણાં સંબંધી સ્થિતિ દેવાળિયા જેવી થઈ ગઈ છે. સરકારની વર્તમાન નીતિના આ પ્રયોગ ઉપરથી સાબિત થઈ ગયું છે કે પોતાના દેશને આઝાદ બનાવવાની લોકોની તમન્નાને દાબી દેવામાં એ તદ્દન નિષ્ફળ નીવડી છે. માત્ર માનવતા અને ન્યાયની ખાતર જ નહીં, પણ ઇગ્લંડ અને હિંદુસ્તાન વચ્ચે સારા વેપારી સંબંધ જળવાઈ રહે તેમાં રહેલા સ્વાર્થની ખાતર પણ પાર્લમેન્ટે આગ્રહ કરવો જોઈએ કે આ નીતિનો તત્કાળ ત્યાગ કરવામાં આવે અને આ નીતિથી હિંદુસ્તાનને જે નુકસાન થયું છે તે શક્ય તેટલું દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે. સરકારે હવે હિંદુસ્તાનના શ્રદ્ધેય પ્રતિનિધિઓ સાથે વહેલામાં વહેલી તકે પૂર્ણ સ્વરાજ્ય અને સાચી સમાનતાના ધોરણે સમાધાન અને સહકારની નીતિ અખત્યાર કરવી જોઈએ.”

યરવડા જેલમાં ગાંધીજીની સાથે

સરદારને ગાંધીજી સાથે યરવડા જેલમાં રહેવાનું થયું એ એમના જીવનમાં એક ભારે મહત્વની ઘટના ગણાય. આમ તો તેઓ ગાંધીજીને વારંવાર મળતા, અને પોતાનાં તમામ કામો તેમની સલાહ સૂચના લઈને જ કરતા. પણ એવી રીતે મળતા રહેવું અને સલાહ સૂચનાઓ લેવી એ એક વાત છે, અને ચોવીસે કલાક સાથે રહેવું, ઊઠવું, બેસવું, જમવું, સૂવું એ જુદી વાત છે. તા. ૪–૧–’૩રથી ’૩૩ના મે સુધી એટલે પૂરા સોળ મહિના તેઓ ગાંધીજી સાથે યરવડા જેલમાં રહ્યા. ગાંધીજીના છૂટ્યા પછી ત્રણેક મહિના યરવડામાં રાખી તેમને નાશિક જેલમાં ખસેડવામાં આવ્યા. આ સોળ મહિનામાં તા. ૧૦–૩–’૩૨ના રોજ મહાદેવભાઈને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા ત્યાં સુધીના સવા બે મહિના તો ગાંધીજી અને સરદાર બે એકલા જ યરવડામાં હતા. ’૩૦માં સાબરમતી જેલના દરવાજામાં પેસતાં તેમણે બીડી કાયમની છોડી દીધી હતી. યરવડામાં ગાંધીજીની સાથે રહ્યા એટલો વખત તેમણે ચા છોડી દીધી. સરદારને બંને વેળા ભાત ખાવાની ટેવ હતી અને ચોખા ઊંચી જાતના હોય તે એમને બહુ ગમતું. જોકે બારડોલીમાં ત્યાં થતા કડા નામના જાડા ચોખાનો ભાત તો ઘણી વાર મોજથી