પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સરદાર વલ્લભભાઈ

ખાતા. પણ અહીં તો ખીલા ખાઈએ છીએ એમ એ ચોખાની મશ્કરી કર્યા વિના રહેતા નહીં. ગુવારસિંગનું શાક કર્યું હોય ત્યારે બળદને ગુવાર બાફીને ખવડાવે છે તે ઉપરથી, આ તો બળદનું ખાણું કર્યું છે એમ કહેતા. ગાંધીજીની સાથે શરૂઆતમાં ભાત ખાવાનું પણ છોડેલું.

એક વાર શ્રી શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીને લખેલું તમે જેલમાં એકલા એકલા રહ્યા છો એટલે ગમગીન બની ગયા છો. ત્યારે ગાંધીજીએ જવાબમાં લખેલું કે હું ગમે તેટલો એકલો રહું તોપણ ગમગીન બનું એવો નથી, અને અહીં તો એકલો ક્યાં છું ? મારી સાથે સરદાર વલ્લભભાઈ છે. એ એમની મશ્કરીઓના સપાટાથી દિવસમાં કેટલીયે વાર મને પેટ પકડીને હસાવે છે. મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં સરદારના ઘણા પ્રસંગો નોંધેલા છે. તેમાંથી તેમની વિનોદી વૃત્તિ ઉપરાંત તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ આપણને જોવા મળે છે. આથી તેમાંના કેટલાક પ્રસંગો અહી આપ્યા છે.

તા. ૧૧–૩–’૩ર : મહાદેવભાઈને ચા પીવાની ટેવ હતી એટલે એમણે તો બીજે દિવસે સવારે ચા પીવાની હા કહેલી. પણ સરદારને ચા પીતાં ન જોયા એટલે તેમણે પૂછ્યું: “કેમ તમે ચા પીવાની બંધ કરી છે ?” સરદારે જે જવાબ આપ્યો તે એમના સ્વભાવનો દ્યોતક છે. “અહીં બાપુની સાથે આવીને હવે શું ચા પીવી ? આપણે તો એ જે ખાય તે ખાવું એમ ઠરાવી દીધું છે. ચોખા છોડ્યા છે, શાક બાફેલું ખાવાનું રાખ્યું છે અને બે વખત દૂધ રોટી લઉં છું. બાપુ પણ રોટી ખાય છે.” સરદારનો આ નિશ્ચય સાંભળી મહાદેવભાઈએ પણ ચા લેવાનું બંધ કર્યું.
મહાદેવભાઈ લખે છે : “બાપુને માટે સોડા બનાવવો, ખજૂર સાફ કરવું, દાતણ કરવું એ બધું વલ્લભભાઈએ પોતે જ માથે લઈ લીધું છે. હસતાં હસતાં કહે, “મને ક્યાં ખબર હતી કે અહીં સાથે રાખવાના છે ? ખબર હોત તો કાકાને *[૧] પૂછી લેત કે બાપુનું શું શું કામ કરવાનું હોય છે. આ તો બાપુ કશું કહે નહીં એટલે ખબર ન પડે. કપડાં ધોવાનું તો બાપુએ રહેવા જ દીધું નથી. નાહવાની ઓરડીમાંથી ધોઈને જ નીકળે પછી કરવું શું ? ”
મહાદેવભાઈ લખે છે: “જે પ્રેમથી બાપુને માટે એ ફળ સમારે છે અને દાતણ કૂટવાનું ભૂલી ગયા હોય તો યાદ આવતાં દાતણ લેવા દોડે છે એ બધું એમની અપાર ભક્તિ સૂચવે છે અને એ ભક્તિ શીખવાને માટે પણ એમના પગ આગળ બેસવાને પ્રેરે છે.”
તા. ૧૩–૩–’૩૨ : જમી રહ્યા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે: “ગણ્યાગાંઠયા દાંત રહ્યા છે. તોપણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.”
મેં વિનોદ ફેરવીને કહ્યું, “’૩૦માં આપણું સાંબેલું સાંબેલું પણ વગડ્યું સરસ.”

  1. *શ્રી કાકાસાહેબ ૧૯૩૦માં બાપુ સાથે યરવડા જેલમાં રહેલા તે ઉપરથી.