પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧. સર્વોદયનો અર્થ
 

કર્યો છે, અને દુનિયાને તેનો અમલ કરવાની રીત પણ બતાવી છે. ગરીબ માણસને તેની ગરીબાઈમાંથી–તેનાં દૂષણોમાંથી ઉગારી લેવાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર શ્રીમંત માણસને તેની શ્રીમંતાઇમાંથી—તેનાં દૂષણોમાંથી ઉગારી લેવાની છે.

શ્રીમંત લોકો સુખી જ હોય છે એમ માનવાને કશું કારણ નથી. જાતમહેનત ન કરવાને લીધે તથા પચવામાં ભારે ખોરાક ખાવાની ટેવને લીધે તેમનામાંના મોટા ભાગનાં શરીર, ખાસ કરીને તેમની પાચનશક્તિ બગડી ગયેલી હોય છે. વળી કેટલાકને પોતાનું જીવન બીજા ઘણાઓના શોષણ ઉપર ચાલે છે તેનું ભાન હોય છે. એટલે તેમના દિલમાં શાન્તિ કે સમાધાન હોતાં નથી. તેમના આશ્રિતો તેમનાથી કદાચ ડરતા હશે, તેમની ખુશામત પણ કરતા હશે, પણ સામાન્ય રીતે લોકો એમના પ્રત્યે પ્રેમભાવની નજરે જોતા હોતા નથી, કારણ તેઓ જાણે છે કે એમની બધી પ્રવૃત્તિઓમાં પ્રેમ નહીં, પણ સ્વાર્થ પ્રધાનપદે હોય છે. એ જ પ્રમાણે ગરીબ લોકો પણ સુખી નથી હોતા, કારણ તેઓ મજૂરી કરે છે, છતાં એમની જરૂરિયાત પૂરી પડતી નથી. આમ અત્યારે તો દુનિયામાં ગરીબ અને શ્રીમંત એમાંથી કોઈ સુખી જોવામાં આવતું નથી. ખરું સુખ સાચી સમજ અને સંતોષમાં રહેલું છે. આપણે જોઇશું કે સર્વોદયમાં ગરીબની સાથે શ્રીમતનું પણ કલ્યાણ રહેલું છે. એમાં જુદા જુદા વર્ગો વચ્ચે વેરાવંચો રાખવાનો નથી, પણ વર્ગભેદ રહે જ નહીં એવી સમાજરચના કરવાની છે.

‘અન-ટુ ધિસ લાસ્ટ’ ગાંધીજીએ પ્રથમ વાંચ્યું ત્યારથી જ તેની એમના ઉપર ભારે અસર થઈ અને તેમણે પોતાના જીવનમાં પરિવર્તન કરવા માંડ્યું. એ પુસ્તકનો ભાવાર્થ તેમણે ‘સર્વોદય’ નામની ગુજરાતી પુસ્તિકામાં આપ્યો છે. ‘અન-ટુ ધિસ લાસ્ટ’માં બાઇબલમાંથી ઘણા ઉતારા આવે છે, એટલે ગુજરાતીમાં આખું ન આપતાં એમણે એનો ભાવાર્થ જ આપ્યો છે. પોતાની આત્મકથામાં