પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪. સ્વાવલંબી ગામડાં
૨૧
 

વળી પાણીની સગવડ થાય એટલે ખાતરની જરૂર વધારે પ્રમાણમાં પડવાની. આજે ખાતર ઓછું પડે છે, તેથી રાસાયણિક અથવા નિર્જીવ ખાતર કેટલાક ખેડૂતો વાપરવા લાગ્યા છે. પણ ખેતીના નિષ્ણાતોનો એવો અભિપ્રાય છે કે આવા નિર્જીવ ખાતરથી જમીન બહુ થોડા વખતમાં ધોવાઈ જવાની અને સત્વહીન થઈ જવાની. એટલે એવા ખાતરને છંદે ચડ્યા વિના જમીનનો કસ સાચવવા માટે તથા તેને વધુ ઉપજાઉ બનાવવા માટે જેનું સજીવ ખાતર બની શકે એવી કોઈ વસ્તુ આપણે નકામી જવા દેવી નહીં. છાણમૂતરના ઉકરડા આપણે એવી રીતે બનાવવા જોઈએ કે તેમાં જરાપણ કસ ઊડી જાય નહીં. વળી ખાતર બની શકે એવી તમામ વસ્તુઓને ખાડા ખોદી તેમાં નાંખી, સડવીને તેનું પણ ખાતર બનાવવું જોઈએ. આપણે કાચાં ચામડાં તથા તેલીબિયાં પરદેશ મોકલીએ છીએ તેમાં આપણે ચામડાની છાલ તથા ચામડાંનું કતરણ જેનું કીમતી ખાતર બની શકે તે ગુમાવીએ છીએ. વળી તેલ પીલતાં જે ખોળ રહે તે ખાવાના તેમજ ખાતરના કામમાં આવે તે પણ ગુમાવીએ છીએ. એક લેખકે તો એટલે સુધી કહ્યું છે કે આવી વસ્તુઓની નિકાસ કરીને આપણે જમીનનું ઉપજાઉપણું નિકાસ કરીએ છીએ. આ ઉપરાંત શણ, બિયાં વગેરે ઉગાડી, તેને ખેડી નાખી જમીનમાં દાટી દેવાથી તેનું પણ સારું ખાતર થાય છે. આજે આપણે માણસનાં મળમૂત્રના ખાતર તરીકે બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ, અને તેને લીધે ગંદકીમાં વધારો કરીએ છીએ. આજે આપણી એવી દશા છે કે તમામ મળમૂત્રના ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ તો જ આપણી ખેતીને સમૃદ્ધ કરી શકીએ અને ગંદકીમાંથી બચી શકીએ. આમ વિવેકપૂર્વક જેનું સજીવ ખાતર થાય એવી તમામ વસ્તુઓનો આપણે ઉપચોગ કરીએ તો નિર્જીવ રાસાયણિક ખાતર વિના આપણે સહેજે ચલાવી શકીએ એમ છીએ. પણ રાસાયણિક ખાતર કારખાનામાં તૈયાર થઈ શકે છે, જ્યારે વેડફાતી વસ્તુઓનો ખાતર