પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧ : સર્વોદયનો અર્થ

૧૮ મી સદીના અંતમાં ફ્રાન્સમાં થયેલી ક્રાતિને પરિણામે તથા ૧૯ મી સદીના પૂર્વાર્ધમાં ઈંગ્લેંડની પાર્લામેન્ટમાં થયેલા મહત્ત્વના સુધારાને લીધે યુરોપમાં લોકતંત્ર બરાબર સ્થપાયું એમ ગણાય. લોકતંત્રની ભાવના નવી નવી હતી એટલે લોકતંત્રના ઉપાસકોને તો એમ લાગ્યું કે લોકતંત્ર સારી રીતે સ્થાપિત થશે એટલે સમસ્ત પ્રજાનું કલ્યાણ થઈ જશે. પરંતુ જેઓ વધારે વ્યવહારુ હતા તેમને લાગ્યું કે સમસ્ત પ્રજાનું કલ્યાણ સિદ્ધ કરવું અશક્યવત્ છે. તેમણે એવું સૂત્ર કાઢ્યું કે આપણે ગમે તેટલું કરીએ તો પણ સૌનું કલ્યાણ સિદ્ધ કરી શકીશું નહીં. વધારેમાં વધારે આપણે એટલું કરી શકીએ કે મોટામાં મોટી સંખ્યાનું વધારેમાં વધારે કલ્યાણ સાધી શકીએ. અને એટલું પણ સિદ્ધ કરી શકીએ તો તેથી આપણે સંતોષ માનવો જોઈએ.

તે જમાનો લોકતંત્રની ભાવના સાથે વ્યક્તિસ્વાતંત્ર્યનો હતો. તે વખતના ફિલસૂફોને એમ લાગતું કે દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાની છૂટ હોવી જોઈએ. તેઓ એમ માનતા કે દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા મથશે એમાંથી જ સૌનો સ્વાર્થ સધાશે. સ્વાર્થનો અર્થ તેમણે દુન્યવી સુખ એવો કર્યો. એમણે એમ પણ વિચાર કર્યો કે કોઈ વ્યક્તિની સ્વતંત્રતાની આડે રાજ્યે કે સમાજે આવવું નહીં. આમ દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા મથશે એમાંથી સૌનું અથવા સમાજના મોટા ભાગનું સુખ આપોઆપ સધાશે.

આ વ્યક્તિસ્વાતંત્ર્યને લીધે કેટલાક લોકો જેઓ સાહસિક અને સાધનસંપન્ન હતા તેમને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાની સારી તક મળી. આનું મુખ્ય કારણ એ હતું કે વ્યક્તિસ્વાતંત્ર્યનો ઘણો