પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સર્વોદય સમાજની ઝાંખી
 


સંકુચિત અને તેથી ખોટો અર્થ, સુખ અને સ્વાર્થસાધના, એવો કરવામાં આવ્યો. વ્યક્તિસ્વાતંત્ર્યને અમુક મર્યાદા છે એનો ખ્યાલ જ ન રાખ્યો. વ્યક્તિસ્વાતંત્ર્ય સામાજિક કલ્યાણની આડે ન આવવું જોઈએ. સામાજિક કલ્યાણથી તે અવિરોધી હોવું જોઈએ. જ્યાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય સમાજના કલ્યાણનો વિચાર નથી કરતું ત્યાં તે સ્વાતંત્ર્ય મટી સ્વછંદ બની જાય છે. વ્યક્તિએ પોતાના સ્વાતંત્ર્યનો ઉપયોગ પોતાના તેમજ સમાજના હિત અથવા કલ્યાણ માટે કરવાનો છે, પોતાના સ્વાર્થ અથવા સુખ સાધવા માટે નહીં.

આ જ અરસામાં વરાળ–શક્તિની શોધ થઈ અને તે વડે મોટાં યંત્રો ચાલવા લાગ્યાં. વરાળ–શક્તિથી ચાલે એવાં મોટાં મોટાં યંત્રો પણ શોધાયાં અને ઘણા ઉદ્યોગો યંત્રઉદ્યોગો તરીકે ચાલવા લાગ્યા. આ યંત્રઉદ્યોગો ચલાવનારાઓને મોટા નફા મળવા લાગ્યા. તેઓ મજૂરોને–પુરુષોની સાથે સ્ત્રીઓ તથા બાળકોને પણ બહુ ઓછી મજૂરી આપી, તેમની પાસેથી બાર બાર અને ચૌદ ચૌદ કલાક કામ લેવા લાગ્યા. વળી રહેઠાણની, પાયખાનાની, પાણીની, દીવાબત્તીની, એવી કશી સગવડ મજૂરોને માટે હતી નહીં. કારખાનામાં કામ કરવાની સ્થિતિ પણ ગંદી હવાવાળી તથા અતિશય ઘોંઘાટવાળી હતી. ધુમાડાનો તો પાર નહીંં. આમ મજૂરોને પાર વિનાની ભીડ, ગંદકી અને ઘોંઘાટમાં કામ કરવું તથા રહેવું પડતું, બાળક મજૂરો કેટલીક વાર કામ કરતાં ઊંઘી જતા અને તેઓ સંચામાં પિલાઈ જાય એવા કેસો પણ બનતા.

છતાં વ્યક્તિસ્વાતંત્ર્યને નામે ઉદ્યોગપતિઓની આવી મનસ્વી અને જુલમી નીતિ ઉપર રાજ્ય કશો અંકુશ મૂકી શક્યું નહીં અને મજૂરોનું હિત સાચવી શક્યું નહીં. આમ મૂડીશાહીનો ઉદય થયો અને વધારેમાં વધારે લોકોનું વધારેમાં વધારે હિત સધાવાને બદલે ઓછામાં ઓછા લોકોનું વધારેમાં વધારે હિત સાધી શકાયું, કારણ મજૂરવર્ગની સંખ્યા બહુ મોટી હતી અને મૂડીદારની સંખ્યા બહુ નાની હતી.