પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૨ મું.

એકવિસ દહાડા પુરા થએ ગણેશની આગળ દોરા છોડ્યા, લાડુનું નૈવેદ ધરાવ્યું ને વિસરજન કર્યા.૧.[૧] દશ લાડુ બ્રાહ્મણને આપ્યા ને દશ ખાઈ પાણી પીને ચંદા અને સુંદર આશામાં બેઠાં છે કે, જેમ ફુલબડવાદીને ત્રુઠા તેમ ગણપતી અમને પણ ત્રુઠશે. તે જ રાત્રે ચંદાને વરજોડે મસ કચાટ થઈ. વીજીઆનંદના સાંભળવામાં આવ્યું હતું કે તે હજી ફકીરની પાસે છાની જાય છે; એ વાતનો કાંઈક પત્તો તેને તે દિવસે હાથ લાગ્યો હતો.

સુંદરના વરનું મન તો ગણપતીએ સુધાર્યું હોય તેવું જણાયું. પોતાના ઓરડામાં આવ્યો તેવો જ સુંદરના મોઢામાં એળચીઓ મુકી, પોતાની પાસે હીંચકે બેસાડી મીઠી વાતો કરીને એક બે ગરબા ગવડાવ્યા. પતિવૃત્તા સુંદરને એ સ્વર્ગના સુખ જેવું ભાસ્યું. દિવસે ગણપતીને માટે દેહેરે દર્ષણ કરવા ગઈ હતી તેથી કેટલુંક ઘરેણું ઘાલ્યું હતું તે સાથે હુંગી ગઈ, હરખમાં કહાડવું ભુલી ગઈ. મધરાતનો સમો થયો ને તે ભરનિદ્રામાં હતી તેવામાં હરિનંદ ઉઠ્યો ને તેના પગે રૂ ૨૦૦)ના રૂપાના સાંકળાં હતાં તે હળવે રહીને કાઢ્યાં, ને દુપટામાં વીંટાળી, માથે પાઘડી મુકી, અંગવસ્ત્ર ઓઢી લીધું ને ખખડાટ ન થાય તેમ બારણાં ઉઘાડ્યાં, બહારથી તાળું વાસી પોતાની રાખને ઘેર જવા નીકળ્યો. ચૌટામાં ચોકીદારે અટકાવ્યો, પીછોડીમાંનાં સાંકળાં છોડાવ્યાં. ઘભરાયો, ને ખરો જવાબ દેવાય નહીં, તેથી જમાદારના કાલાવાલા કરવા લાગ્યો. જમાદારે બેમાંનું એક સાંકળું લઇને જવા દીધો.

રાખે પુછ્યું એક કેમ લાવ્યા. હરિનંદ કહે ચોકીવાળાએ મને સપડાવ્યો ને બીજું પડાવી લીધું. રાખ કહે રાતે ચોરીને શાને લાવ્યા, તમે તે મુછાળા મરદ કે પુંછાળા બળદ, હરિનંદ હસીને કહે જેમ મોઢે આવ્યું તેમ બોલો ને મશકરીઓ કરો કોઈ પુછનાર છે, વારૂ તમારી મહેરબાની તો છે. રાખ કહે ખરૂં જ કહું છું તો, તમે ધણી છો, તમારે બાયડથી છાના રાત્રે સીદ લાવવું પડે, પણ નાગરી જો મારે લાત ને આઘા નાખે. હરિનંદ કહે ના તે બીચારી ગરીબ છે, જેમ કહું તેમ કરે એવી છે. રાખ કહે તેમ હશે, પણ ઘરેણું ના


  1. ૧. અજ્ઞાની માણસો એમ ધારે છે કે ધાતુ, પાષાણ, માટી વગેરેની મૂર્તિમાં દેવને પેસવાનું કહીએ (એટલે આવાહન કરીએ કે તેમાં પેસે, અને તેમાંથી નીકળી જવાનું કહીએ (વિસરજન કરીએ એટલે નીકળી જાય. દેવને બોલાવે ત્યારે આવે ને કાઢી મુકે ત્યારે બીચારા જાય !!