પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૮૫
 

આપે. હરીનંદ કહે ના આપે તો હાડકાં ભાગી નાંખું, તાકાત શી કે સામું ચું કે ચાં કરે. મારો ધાક એવો છે કે જરા ડોળા કાઢું તો થરથરે. રાખ કહે એકવાર પારખું તો જુવો, એના કાનની પાનડી કાલે લાવજો, પણ ખરે ખરૂં કહીને લાવજો, છેતરીને લાવો તેમાં કાંઈ માલ નહીં.

રાખની મતલબ હરીનંદને સુંદર વચ્ચે જેમ વિરોધ વધે તેમ વધારવો એ હતી; કે પછી હરીનંદ પોતાની જાળમાંથી નિકળી ના જાય. હરિનંદ તેના ઉપર એવો મોહીત થઈ ગયો હતો કે ગુલામની પેઠે તેના હુકમમાં રહેતો; એક માસમાં તેણીએ તેને છેક આંધળો કરી નાખ્યો હતો; આંખે આંધળો નહીં પણ હઈએ આંધળો કર્યો હતો. એ ભરજુવાનીમાં હતો, ને મા વહુ જોડે અણબનાવ કરાવતી હતી, તેથી જે સુખ પોતાના ઘરમાં ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર પ્રમાણે ભોગવાતું નહોતું ને પરઘેર ભોગવતાં શિખ્યો. એમાં વાંક કહોનો ?

બે ઘડી રાત રહી તે વારે પાછો ઘેર આવ્યો ને પોતાની પથારીમાં સુઈ ગયો. પ્રભાત થતાં સુંદર જાગી જોય છે તો પગમાં સાંકળાં મળે નહીં. બધે જોઈ વળી પણ કાંઈ ભાળ લાગી નહીં, બાપડીનું મોહો ઉતરી ગયું. ને રોવા લાગી. સાસુ કહે એ બધા ઢોંગ, કાંઈ પાડી આવી હશે; નણંદ મુખ મરડીને હળવે રહીને બોલી કે કોઈને આપી આવી હશે. આડોશી પાડોશી અજબ થવા લાગ્યાં કે ખાતર પડેલું નથી, બારણાં બંધ હતાં ને પગેથી સાંકળાં કોણ કાઢી લઈ જાય ! એક કહે જેના પર અવદશા આવી પડે છે તેના પર સદાવડી પડે છે, સાસુ ઘડી જંપવા દેતી નથી, રોજ ઘરમાં કલેશ. બીજી કહે વર પાધરો હોય તેને બધું પાધરું, વર સારો હોય તો સાસુ શું કરે ? કદાપિ વરેજ સાંકળાં ઉઠાવ્યાં હશે. એણે પેલી રાખી છે તે જાણે છે કે ની ! મારી બાપડી બેનને એ સુંદરના જેવું દુખ છે, કાઢી મુકે છે, ઘરેણાં ઉતારી લે છે, મારે છે, શું કહીએ બા ગાંઠ પડી તે પડી. ત્રીજી કહે કરમમાં એવું લખેલું ત્યારે જ ભુંડા મનીશ. જોડે સંબંધ થયો કે ની; આ જુવોને મારી માસીની દીકરી નિત્ય બીચારી રોતી ઘેર આવે છે; આગળથી જાણ્યું હોત તો છોડીને કુંવારી રાખત પણ એને ઘેર ના પરણાવત, જાણીને કોણ કુવામાં પડે ? ચોથી કહે એમ તો કહેશોજમાં, આપણા લોક મુઆ આંધળા છે. આ મારા ફઈજીએ જાણી જોઈને છોડીને કુવામાં નાંખી છે તો; દીવાળીએ કહી વહુને સુખે બેસવા દીધી છે ? એની બે વહુનો સંતાપ આખું ગામ જાણે છે, તોએ ત્રીજી દીધી. પાંચમી કહે કરમાધરમી તો ખરૂં, મારી દીકરી તો સુખી છે, એની સાસુના જેટલાં લાડ તો હુંએ નથી લડાવતી.