પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૮૭
 

કહે રોઈને રહેજે, તારો માલ તો છે નહીં, તારા બાપનો નથી, મારો માલ છે તે હું લઈશ. સુંદર કહે તમારો ક્યાંથી આવ્યો, એતો મારા પલ્લાનો, હું મરું તારે એ પલ્લું તમારૂં થાય, જીવું છું ત્યાં સુધી તો કોઈથીએ એનું નામ ના દેવાય. હરિનંદ કહે પલ્લું મારે બાપે કર્યું છે, રાંડ તારા બાપે નથી કર્યું. સુંદર કહે નાગરી નાત્યની રીત પ્રમાણે કર્યું છે, બધા કરે છે તેમ તમારા બાપે કર્યું છે; હજી બીજી વધારે ગાળો દો, નાગર બ્રાહ્મણમાં તમારા જેવા થોડા જ હશે, બીજી હલકી જ્ઞાતિઓમાં એવી ગાળો ભાંડે છે, આપણામાં તો હું તમારે મોઢેજ સાંભળું છું. હરિનંદ કહે ટક ટક કરતી છાની રહે, વધારે બકવા કરીશ તો માર ખાઈશ, ન ગમતો હોઉં તો બીજો કર, લે રાંડ જા મારી રજા છે, પણ ઘરેણું લાવ. સુંદર કહે મારી નાંખો પણ મારું ઘરેણું આપનાર નથી. હરિનંદ કહે ઠીક છે રાંડ ચંડાળ, વંત્રી, વેશ્યા, જો તારી કહેવી મઝા થાય છે, તે દેખાડું છું. સુંદર કહે ગરીબડી મળી છું તેમાં બધું ચાલે છે, બીજી હરામી મળી હોય તો ખબર પડત. હરિનંદ કહે હેં રાંડ હું જીવતાં ગરીબડી છે કેમ ! એમ કહી બેચાર લાતો મારી અફરાટો સુઈ હુંગી ગયોય રડતાં રડતાં મધરાતે થાકી ત્યારે સુંદર પણ સુતી. એવી બુનિયાત હતી કે આંખમાં જળની ધારા વહી જતી હતી પરંતુ ઘાંટો કહાડીને રોતી નહોતી, ને મોહોએ વાળતી નહોતી. નઠારી સ્ત્રી હોય તો રાગડા કાઢી એને માટે સ્વરથી રૂવે કે આખી શેરીને જગાડે. સુંદરના મનમાં એમ હતું કે લોક ફજેતી જુવે તે સારું નહીં, હોય ઘર છે લઢાઈએ થાય. તેણે પોતાના મન સાથે તે રાત્રે નક્કી કર્યું કે હવે વધારે દુખ પડશે તો કુવે પડી આપઘાત કરીશ. એ જાણતી નહોતી કે એના પરિતાપનો છેડો પાસે છે.

બીજી સવારે દુષ્ટ હરિનંદે વિચાર્યું કે પાંદડી મળી નહીં ને આબરૂ ગઈ, હવે રાખને ઘેર શે મોઢે જાઉં ? માટે એક ઉપાય કરૂં; આ રાંડને (સુંદરને) કાંઈ બહાનુ જડેતો એવી ગુંદીગુંદીને માર મારૂં કે નરમેઘેશ થઈ જાય, પછી હું જે કહીશ તે કરશે. માર એ ચૌદમું રતન છે, માટે તે બધુંને કર સીધું, હવે તો એજ વાત બીજો ઉપાય નથી, એ સંખણી સમજાવી સમજે એવી નથી. એવો ઠરાવ કરી બપોરે જમીને ચાકરીએ ગયો ખરો, પણ ત્યાં એનું મન કામમાં લાગે નહીં. માથું બહુ દુખે છે એવું મિશ કરી પાંચ વાગે ઘેર આવ્યો. ઘરમાં જુવે છે તો રોહોણ મચી રહ્યું છે.

એ ને એનો ભાઈ જમીને બહાર ગયા પછી ઘરમાં બઇરાં જમ્યાં. ચંદાએ ને સુંદરે ચુલાઅબોટ કર્યો, વાસણ અજવાળ્યાં ને પછી તળાવે પાણી ભરવા