પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
सासुवहुनी लढाई
 

ગયાં. મોડાસાનો થાણદાર એટલે મામલતદાર હસનખાં પઠાણ શીકાર ખેલીને પાછાં આવતાં ત્યાંના તળાવના નિરમળ પાણીએ હાથ મોહ ધોઈ પવનની લહેર ખાતો ઊભો હતો. દેરાણી જેઠાણીએ તેને જોયો ને મનમાં નિશાસા મેલ્યા. ચંદા કહે વારૂ આપણને એવા અકરમી મુઢ જેવા માટી કેમ મળ્યા હશે, સુંદર ઉત્તર કર્યો કે આપણી ભીક્ષુકની નાતમાં એ પઠાણના જેવા તે ક્યાંથી મળે, તમે ઘેલું ઘેલું શું બોલો છો ? ચંદા કહે હું એ થાણદર જેવા નથી કહેતી, પણ જુવોને આપણા જેવડી ગામમાં બીજી ઘણીએ સ્ત્રી છે, પણ કોઈને આપણા જેવા નઠારા વર છે ? સુંદર કહે તેમને તો કાંઈએ દુખ નથી, સાંઇને ઘેર જવાની ના કહે છે એટલું જ કે ની, ને મારે માથેતો દુખનાં ઝાડ ઉગ્યાં છે, મેં તો તળાવમાં કે કુવે પડી મરવું ધાર્યું છે, મારૂ ભવિષ્ય એજ છે. ચંદા કહે એવી નાદાની કરી ના બેસશો, ફકીરે તમારે સારૂ પણ ઉપાય કરવાનું કહ્યું છે, તે એવો કે પાર પડ્યા વિના રહે નહીં. તે કહે છે કે અહીંથી પાંચ ગાઉ પર જમલા પીરનું સ્થાનક છે ત્યાં ચલો ને એક રાત રોહો, ત્યાં તાવીત (રાખડી) કરી આપશે ને પીરનો પ્યાલો પાશે. હુંતો જવાની છું પછી જે થનાર હોય તે થાઓ. નદીએ નાહાવા જવાનું નામ દઈ જઈશ, ને પછી કહીશ હુંતો, ડુબી હતી તે લીલકંઠ મહાદેવના બાવાએ કાઢી, પેટમાંથી પાણી ઓકાવ્યું, ને ઓસડ કર્યું ત્યારે શુધ આવી, મારાથી હીંડાય એવું નહોતું તેથી બાવાએ રાત રાખી. સુંદર કહે બાવાને જઈશ ને પુછશે ત્યારે ? ચંદા કહે હું તેને આગળથી રૂપીઆ બે રૂપીઆ આપીશ એટલે એમજ કહેશે; તમે પણ ચાલો મારી ગત તે તમારી ગત, ખીચડી જોડે લેતાં જઇશું. સુંદર કહે ના બળ્યું, મને તો તમારા જેવાં સ્ત્રી ચરીત્ર નથી આવડતો હું તો પકડાઈ જાઉં. મારે સારૂ ફકીર આપે તે તમે લેતાં આવજો. ચંદા કહે તેમ તો ના થાય, સાંઇએ મને કહ્યું છે કે તમારા બેનું કામ એવું વિકટ છે કે પીર સાહેબને રૂબરૂ પગે લાગ્યા વિના મંત્ર કળે નહીં. સુંદર કહે સાંજે પાછો અવાય એવું હોય તો આવું. ચંદા કહે વારૂ તેમ.

એ વાતો કરતાં ઘેર આવી દશ શેર ઘઉં દળવાના હતા તે લઈ બેઠી. દળતાં દળતાં ચંદાએ સુંદરને પુછ્યું કે સાંકળની કાંઈ શોધ લાગી કે, ગયાં તે ગયાં. સુંદર કહે ઘરના મનીસે ઉડાવ્યાં હોય તે ક્યાંથી જડે ને કોને કહીએ, મારા કરમનો વાંક બેન. ચંદા કહે મને સમજણ ન પડી, શું આપણા ઘરનાએ કોઈએ ઓળવ્યાં છે ? સુંદર કહે જવાદો ને એ વાત મને ના પુછો. ચંદા કહે ના પણ કહોતો ખરાં. સુંદર કહે પેલી રાંડ પેટબળી મંછી સોનારણ મારી વેરણ