પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૮૯
 

થઈ લાગી છે તેને આપી આવ્યા; મારા જેવું દુખી જગતમાં કોઈ નહીં હોય, મારે મોઢે તો એમ કહ્યું પછી ખરૂં ખોટું પરમેશ્વર જાણે. ચંદા કહે તમે સાસુજીને કહોને સુંદર કહે કેમ જાણીએ તેને ખબર નહીં હોય; એ ટંટા કરાવે છે તેથી જ પરનારી પર ચીત લાગ્યું છે કેની.

એમની સાસુ અનપુણા આ બધી વાત પાછલા ઓરડામાં રહી છાનીમાની સાંભળતી હતી. સુંદરના મુખમાંથી આ છેલ્લા બોલ જેવા નિકળ્યા તેવીજ, જેમ અંધારા ખુણામાં સંતાયલી બિલાડી દાવમાં આવેલા ઊંદરને ઝડપી લેવા પડે તેમ, તે વહુવારૂ ઉપર પડી. પરસાલમાં જોવા જેવું થઈ રહ્યું. જેમણે સાસુવહુના મોટા ઝઘડા જોયા નથી તેમના ધ્યાનમાં આ બનાવનો પુરો વિચાર આવી શકશે નહીં. દળવું દળવાને ઠેકાણે રહ્યું; શોર બકોર એટલો થયો કે આડોશી પાડોશીથી ઘર ભરાઈ ગયું, ને કુતરાં આવી લોટ ચાટવા મંડ્યાં પણ કોઈ તેમને હાંકે નહીં. અનપુણાએ દેરાણી જેઠાણી ઉપર ગાળનો વરસાદ વરસાવ્યો, તમારા ભાઈ મરે રાંડો, વેશ્યાઓ, તમે બંને મારી વેરણ છો, મને જરાએ ઝંપવા દેતા નથી, મારા દીકરાને એકે વશીકરણ કર્યું છે, ને બીજીએ ચોર ઠેરવ્યો, મને જોડે સામેલ કરી, હા હું ચોરટી, હવે આ ઘડપણમાં ધુળ પડી, વહુવારૂને મોઢે એ સાંભળવું તે કરતાં મરી ક્યાં ન ગઈ, વગેરે અનેક મેણાં તુણાં સાંભળતાં પેટનો પીતો ઉછલે એવા બોલ ઉપરા ઉપરીને મોટે સાદે કહેવા લાગી; લાંબા હાથ કરી આંખના ડોળા ફેરવતી જાય; વળી રોતી જાય, ને માથાં કુટે. બંને વહુઓએ પણ સામા જવાબ વાળવામાં કસ મુકી નહીં. સુંદર ગાભરી થઈ ગઈ પણ ચંદાને સાસુના જેટલું જ શૂર ચડ્યું. સાસુ એવી જબરી હતી કે બંનેને પુરી પડી. ડોસીએ ગજબ કર્યો. વચમાં પડી બીજી બાઈડીઓ લડાઈ પતાવવા જાય પણ તેમનું કોણ સાંભળે ? વહુઓને છાની રાખે કે સાસુ ગાજી ઉઠે; સાસુ જરા બોલતી થાકે કે વહુઓ બોલે. જેમ તેમ કરતાં એ પાછલાંને એક ઘરડી પડોશણે ચુપ રાખ્યાં, પણ ડોસી કેમ કરી માને નહીં. એવામાં એની દીકરી કમળા આવી એટલે ડોસીના દિલમાં નવું શૂર છુટ્યું, ને આવરી રહે નહીં. કુવાનું દોરડું લાવી તેનો ગાળો પોતાના ગળામાં નાંખ્યો ને મરવા તયાર થઈ. કમળાએ તે ફાંસો લઈ વેગળે નાંખ્યો. ડોસીએ પાછો લીધો. સુંદર ડરી ગઈ. ચંદા મોહો વાળવા લાગી. કમળા તેમને ભાંડવા મંડી. લોક જોવા મળ્યું તેમાંનું કોઈ વહુઓનો વાંક કાઢે ને કોઈ સાસુનો વાંક કાઢે. આ જીભ જુદ્ધ ખૂબ મચ્યું છે, ને મુખરૂપી તોપોમાંથી ગરમ ગરમ શબ્દો રૂપી ગોળા છુટ્યા જાય છે, આંસુ રૂપી રૂધીર