પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૩ મું.

સાંઇના કેટલાક ચેલા એ રોઝામાં રહેતા હતા, ને એના દાગીના તથા સુંદર વસ્ત્રો, અને સાકર, ઘી, ચોખા, લોટ, આદિ સીધું સામાન અહીં રાખતો, કેમકે પોતાને મોજ ભોગવવાની જગા એ હતી. મોડાસામાં ફકીર માફક રહેતો ને એવી રીતે ચાલતો કે મુસલમાન લોક તેને બહુ પવીત્ર ને સાચો સાધુ ગણતા. લુચ્ચી બાયડીઓ એની જોડે ત્યાં જતી, તે વખતે ભોળીઓને છેતરીને તેડી જતો, પોતાના વસ્ત્રાલંકાર પહેરાવે ને પાછાં જતી વેળા ઉતારી લે. સુંદરનાં હાડકાં ગઈ સાંજના મારથી બહુ કળતાં હતાં માટે તેને પ્યાલામાં કાંઈ પાઈ ગોદડું પાથરી સુવાડીને કહ્યું તમે જરા આરામ કરો. ચંદાને દરદ થતું નહતું, બંધનના સોળ બેસી ગયા હતા.

ચેલાને રસોઈ કરવાની આજ્ઞા આપી સાંઇએ રોઝાના રખવાળની બે બાયડીઓ હતી તેની કને ચંદાને મશ શણગરાવી પોતાનો પટારો ઉઘાડી બતાવ્યો, ને તેમાંથી એની નજરમાં આવે તે ઘરેણાં ને લુગડાં ધારણ કરવાને કહ્યું. જે ચંદાએ પસન કર્યા તે તેને પહેરાવ્યાં; અંબોડો છોડાવી માથામાં સુગંધીદાર ધુપેલ ઘલાવ્યું ને વાળ હોળાવી ઉપર અતર ચોપડી ચોટલો છુટો રખાવ્યો. પોતે (સાંઇએ) પણ હાથ પગ ને મોહો ધોઈ સુવસ્ત્રો પહેર્યાં. એ બધું થઈ રહ્યું તે વારે રંધાઈ રહ્યું નહતું, તેથી ફકીર રમુજની વાતો કહેવા લાગ્યો. પણ ચંદાના મનમાં ચટપટી હતી કે હવે પાછા ઘેર કેમ જવાશે. તેણીએ સાંઇને કહ્યું અને આવ્યા તો ખરા પણ હવે પાછાં કેમ જવાશે. ધણી ઘરમાં નહીં ઘાલે ને જ્ઞાતિના લોક નાતી બહાર મુકશે. ફકીર તેને ધીરજ આપતો હતો એટલે સુંદર જાગી. સાંઇના કહેવા પરથી રખવાળની બે ઓરતોએ સુંદરનો ચોટલો ચોળ્યો ને હોળ્યો, ઉને પાણીને નવરાવીને ધોળી સ્વચ્છ મલમલ પહેરાવી. પછી રસોડામાં પુછાવ્યું પણ ઘડીએકની વાર છે એવો જવાબ આવ્યો. ચંદાને સુંદરનાં મન રંજન કરી તેમની ફિકર ઉડાવી દેવાને સાંઈ કહે તમે ધારો છો કે પાછાં ઘેર જવું મુશકેલ પડશે, પણ ચતુર સ્ત્રીઓને કાંઈ મુશકેલ નથી, ભલા ભલા સરદારોને ઉડાવીએ તોએ ભીખારી બામણાના ભાર શા, લોભીઓ ધનથી રાજી થાય, બ્રાહ્મણ લાડવા ને દક્ષણાથી, મુરખ જુઠાં વખાણથી; જેને જે વહાલું તે તેને આપ્યાથી રીઝે ને છેત્રાય. એ પર એક કહેવત છે કે,