પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
सासुवहुनी लढाई
 

પાસે માથા વગરનું ધડ ને મસ લોહી જોઈ બધા ચકીત થયા. રાજા કે પ્રધાનને બોલાવો. નોકરો ભાનુશાને ઘેર આવ્યા. રતનશાએ કહેવડાવ્યું કે તે ગામ ગયા છે. રાજાએ દરબારી લોકને તથા ફોજના જમાદારોને બોલાવી કહ્યું જુવો કહેવી નવાઈ ! મારા મહેલમાં બધી ચોકીઓ ચુકાવી ચોર પેઠાને મારા સેજા મંદિરમાં આવી ખાતર પાડ્યું ને પકડાવવાની બીક લાગી તેથી આ ધડ મુકી નાસી ગયા એ કેવી નવાઈ ! જાઓ નગરમાં ઢંઢેરો પીટાવો કે એ ચોરને જે ઝાલી લાવશે તેને મોટી જાગીર મળશે. એમ આજ્ઞા કરી તે ધડને બાળવા મોકલ્યું. એવામાં રતનશાએ આવી રાજાને સલામ કરી. રાજાએ તેને ઉપલી વાત કહી, તે સાંભળી રતનશા કહે મહારાજ એ ચોર બડા પાકા જણાય છે, ને મને લાગે છે કે તેઓ ધડની જોડે માથું બાળવા નક્કી લાવશે, માટે ચિતાની આસપાસ પહેરો મુકો કે તે માથું બાળવા લાવનારને પકડી લાવે; ફુટે નહીં એવા ભરોસાદાર માણસોની ચોકી મૂકજો.

રાજાએ પોતાની ફોજનો સાદતખાં કરીને જુવાન સરદાર હતો તેને બોલાવી હુકમ કર્યો કે બળતી ચિતાથી સો સો કદમ દુર ચોમેર ફરતાં પુરા વિસવાસીઓની ચોકી રાખો ને તેમના ઉપર તેવો જ ખબડદાર ને નિમકહલાલ નાયક મુકો અથવા તમે પોતે રોહો. સાદતખાંએ એક નાયક ને સો સિપાઈઓનો પેહેરો મોકલ્યો.

પોતાના ઘરના ગોર ઉપર રાજાને પક્કો ભરોસો હતો તેને બોલાવી આજ્ઞા કરી કે તમે દશ લઠ્ઠા બ્રાહ્મણો લઈ ચિતાની છેક નજીક બેસો કે કોઈ પાસે આવે નહીં. જી મહારાજ કહી રાજગોર ગયા.

રાજા રતનશાને કહે ઠીક કે નહીં, બ્રાહ્મણને ને મુસલમાનને આદવેર, મિયાં ફુટશે તો બ્રાહ્મણો ચોરને ઝાલશે. રતનશા કહે ખરૂં સાહેબ.

રતનશાએ ઘેર જઈને પોતાના ગોરને બોલાવ્યો ને ફરમાવ્યું કે આજે આપણે ચોરાશી જમાડવી છે, ને જનોઈ દીઠ રૂપીઓ દક્ષણા આપવી છે, માટે ગામમાં નોતરાં ફેરવો ને રસોઈ ઉતાવળે જારી કરાવો. બપોરે સહુ ભુદેવો આવે એવું કહેવડાવજો. ગોરે તો તેજ ક્ષણે નોતરીઆ દોડાવી દીધા. બ્રાહ્મણોને હરખ ન માય. મસાણે ગયા પહેલાં રાજગોરને એ વાત માલમ થઈ. તેણે જોયું કે મારૂં ને બીજા નવ બ્રાહ્મણનું જમણ જશે. પેલા નાયકને જઈ મળ્યો ને કહ્યું જો તમે મેહેરબાની કરો ને રાજાને જાહેર ન કરો તો અમે જમવા જઈએ. નાયક કહે જાઓ, અમે તો માણસ છીએ તેની વચમાં કોણ પેસનાર છે, બ્રાહ્મણ ભાઈ