પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૪ મું.

સુંદર ને ચંદા લુગડાં ધોવા જવાને મસે ઘરમાંથી ગયાં ને થોડી વારે ચંદાને પિયરથી બોલાવવા એની ભાણી આવી. એની સાસુ ચાંપીને બોલી શું કામ છે, એ તો ધોવા ગયાં છે. ભાણી કહે ઇચ્છાશંકર જાનીને ત્યાં જંબા જાવાનું છે, ત્રણ વાગે વેળા થવાની છે માટે આવે કે તુરત મોકલજો. સાસુ ભાર મુકીને કહે, વારૂ પાછાં આવશે ત્યારે કહીશ. ભાણી ગઈ. ત્રણના સાડાત્રણ ને ચાર થયા તોએ ચંદા આવી નહીં ત્યારે એની માએ ફરી તેડવા મોકલ્યું, પણ ચંદા આવેલી નહીં. એની માના મનમાં શક આવ્યો કે નહીં મોકલવાને સારૂ એની સાસુ ધોવા જવાનું જુઠું બહાનું બતાવે છે, ધોવા નહીં ગઈ હોય ઘરમાં જ હશે, તે પરથી તે ચંદાની સાસુ જોડે વઢવા ગઈ. અનપુણા કહે મારી ના કહેલી રહે એવી તમારી છોકરી છે નહીં, કાંઈ મેં ઓરડામાં પુરી તો નહીં મેલી હોય, ઘોંધી હોય તો બારણા ફોડીને બહાર નીકળે, ને મારું માથું ભાગે, એ ક્યારે મારા કહ્યામાં રહે છે કે મારું માને છે, માનતી હોય તો મારા ઘરમાં આટલા ઝઘડા શાને થાય; ને લ્યો હું ક્યાં ના કહું છું આ મારું ઘર જુવો, ઓરડી જુવો, કોઠી ઉઘાડી, પેટી, પટારા ઉઘાડી જુવો, જ્યાં સંતાડી હોય ત્યાંથી શોધી કાઢો. ચંદાની મા કહે મારે તમારું ઘર, તમારા ઓરડા ને તમારી કોઠીઓ, પેટીઆ શાને જોવી પડે; મારી છોકરી મરે તો છૂટે, સાસુ સહુને હોય, શું અમારે વહુ નહીં હોય, પણ આવડાં દુખતો કોઈ દેતું નથી. એમ બોલતાં બોલતાં એ જંગલી વેહેવણો તું તાં ને શુદ્ર વચન પર ગયાં. પાડોશણોએ વચમાં પડી પતાવ્યું, નહીં તો લાંબું ચાલત. બે પાડોશણ કહે અમે નજરે ચંદાવહુ અને સુંદરવહુને ધોવા જતાં જોયાં છે, હજી પાછાં આવ્યાં નથી, લુગડાનો ગાંસડો મોટો હતો માટે વાર લાગી હશે, હવે ઘડી બેઘડીમાં આવ્યામાં.

ચંદાને મુકીને જંબા જવું પડ્યું. મણીલક્ષ્મી (ઈછાશંકરની સ્ત્રી)એ પુછયું કેમ ચંદાગવરી નથી. ચંદાની મા કહે સાસરેથી ધોવા ગઈ છે તે હજી આવી નથી. મણીલક્ષ્મી કહે શી ચિંતા છે બીજી ઘાલે જમશે, આ ક્યાં લોકનું ઘર છે ? આજે ધોવા ના મોકલી હોત; શ્રાદ્ધપક્ષમાં તો કોઈ ના મોકલે; પણ એ અનપુણા જે નહીં કરે તે થોડું. ગઇકાલની વાત મેં સાંભળીને મારો જીવ બહુ બળ્યો. ભુવો હરિઓ તો અસલથી કસાઈ છે, પણ તમારો જમાઈ તો ભલોમનિસ કહેવાય છે, પણ દેખે તેવું શિખે. ઓ પ્રભુ નઠારાં મનિસ જોડે કામ માં પાડીશ'