પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
सासुवहुनी लढाई
 

આવીને બોલી, એના બાપનાં, એની સાત પેઢીનાં નાક વઢાયાં ને નામ બોળાયાં તેમાં આપણે શું, જરા રોશોમાં ભાઈ. અનપુણા કહે છે શું મને કોહોને. કમળા કહે આખા ગામે જાણ્યું ને તું નથી જાણતી. હિરાનંદ કહે આપણા ઘરની બે રાંડ નાચેણો, છીનાળો, નિકળી ગઈ, તરકડીને વેશે પેલા ચંડાળ સાંઇની સાથે નાસી ગઈઓ.

કમળા – એના પીએરીમાં આપણને ભાંડે છે કે એતો કાલે લડ્યાં તેથી જતી રહીઓ. ચંદાભાભીની માતો આપણે નામે કુટે છે ને મોહ વાળે છે.
અનપુણા – એતો ઘણુંએ આપણે માથે ઢોળે પણ હું ઢોળવા કેમ દઇશ. મારૂં કે મારા છઇઆનું નામ દે તો સંખણીની જીભ વાઢીનાખું.'

એટલામાં રમાનંદના મશિયાઈભાઈ કેશવરામે બહારથી રમાનંદને બોલાવી બારણાં ઠોક્યાં. બારણાં ઉઘાડી રમાનંદ કહે આવ ભાઈ, હું ક્યાં ના મુઓ, આ મારા ઘરની ફજેતી તો જો.

કેશવરામ – એમાં તારા ઘરની ફજેતી શાની, ફજેતી એની જણતીની, એના બાપ દાદાની. ચંદાની મા ક્યારે પાધરી હતી. જેવી મા તેવી દીકરી. હવે વાતો કરવાને વખત નથી. હું એના મામાને કહી આવ્યો છું તે પોતાના પાંચ દસ ભાઇબંધ લઇને આવે છે, ને આપણા સાથીઓ પણ આવે છે. જમલાપીરને રોઝે ગયાં છે એવું સંભળાય છે; તે કાંઈ દૂર નથી, અડધી રાત જતાં પહેલાં તો આપણે જઈ પોંચીશું, ને એમને ઝાલી લાવીશું. જાય છે ક્યાંરે રાંડો, ચોટલા સાહીને અબઘડી પકડી લાવું છું. એમ કહી કચ્છો ભીડીને ઓઢેલી પીછોડી હતી તે વતી કસીને કંબર બાંધી, ને ઉઘાડી ખાધપર લાકડાં ચીરવાનો કુહાડો હતો તે મુક્યો.

ઘડીક નહીં થઈ એટલામાં એના જેવા પંદર વીશેક જટ્ટાનું ટોળું આવ્યું. કોઈને માથે ટોપી, કોઇને માથે પાઘડી, ટુંકાં પોતીઆં પહેરેલાં, કંબર બાંધેલી, શરીર ઉઘાડાં, કોઈના હાથમાં સોટા, કોઈની ખાંધે કુહાડા, ને કોઈએ પથરાનું પોટલું બાંધી લીધું. એક હજામને બોલાવી મસાલ કરાવી જોડે લીધો ને હિંડ્યા. વાટમાં બીજા નાગર બ્રાહ્મણો આવી મળ્યા. ઘણાક શોકીડા આદમીઓ મજા જોવાને પાછળ હિંડ્યા. એ તમાશગીરો પાછળથી તાળીઓ પાડે, રામબોલો ભાઈ રામ કહે, ને હે હે કરે. નગાર બ્રાહ્મણો ચીડાઈ ગયા, ને તેમની ભણી ફરીને