પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૬ મું.

બીજે દિવસે મધ્યાને સર્વ કચેરી મંડળ ભરાયું હતું; બહાર લોકની ઠઠ તમાશો જોવાને ખૂબ મળી હતી; હવાલદારે દાદી ફરીઆદને તથા તેમના સાક્ષીઓને હાજર રાખ્યા હતા. થાણદારની પાલખી આવી કે સઘળા ચુપ થઈ ગયા, ને બેઠા હતા તેઓ અદબ કરી ઉભા થયા. સહુની સલામ લેતો લેતો પઠાણ ગાદીએ જઈ બેઠો, ને કીસનલાલ શરસ્તેદારને બોલાવી કહ્યું સાંઇનો મુકરદમો ચલાવો.

કિસનલાલ – પંડ્યા વીજીઆનંદ રમાનંદ આ કામમાં ફરીઆદી, તમે કેના ઉપર દાવો કર્યો છે ?

વીજીઆનંદ – આ ફકીર ઉપર સાહેબ, એ મારી વહુને ભોળવીને લઈ ગયો, ને મારી આબરૂ લીધી, મારી સાત પેઢીને એણે લાજ લગાડી.

કિસનલાલ – તમે તમારી બઈરીને સજા કરાવા નથી માગતા ?

વીજીઆનંદ – નાજી એ મુરખમાં કાંઈ અક્કલ નથી. એને સારા નરસાની શી ખબર, કોઈ ભમાવે તેમ ભમે; અજ્ઞાની સ્ત્રી છોકરાંની બરોબર છે, એને અમે ઘરને ખુણે શિખામણ દઈશું. એને ઘેર જવાની રજા આપાવો તો મોટી મહેરબાની સાહેબ.

કિસનલાલ થાણદારને કહે સાહેબ એ લોક ઉચવરણ છે, ખાનદાન છે. બ્રાહ્મણોમાં સહુને માથે કહેવાય છે, એમની બાઇનેકચેરીમાં લાવવી એ ઠીક નહીં. એ લોક અરજ કરે છે કે તેને ઘેર લઈ જવા દેવાની મહેરબાની કરો. એનો ધણી ફરીઆદ નથી કરતો.

પઠાણ – નાગર બ્રાહ્મણો બીજાથી ઉચાં, સહુ બ્રાહ્મણોને માથે છે એવું તમે શા પરથી કહો છો ?

કિસનલાલ - સાહેબ એ કોઈનું રાંધેલું ખાતા નથી, અને બીજા બધા એમનું રાંધેલુ અન ખાય છે.

પઠાણ - તમે ભૂલો છો તમને પુરી ખબર નથી. સોરઠમાં ઓદીચ, શ્રીમાળી વગેરે બીજી કોઈ નાતના બ્રાહ્મણો એમના હાથનું ખાતા નથી. કાઠીઆવાડમાં નોખી નોખી બ્રાહ્મણની જ્ઞાતી એક એકનું રાંધેલું ખાતી નથી તો તેમાંથી કોને ઉંચી અને કોને નીચી ગણવી ? બીજા બ્રાહ્મણો, વાણીઆ, સોની, કાયત, ક્ષત્રી, કણબી, ઘાંચી,