પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
सासुवहुनी लढाई
 

નથી. ઘણાએ સાંઈ સૈયદને ઢોંગી ધુતારા તેની પાછળ લાગ્યા છે ત્યાં તમે કેમ નથી જતા. તમારા જમલાપીર તેને એક બેટો આપે તો મોટી જાગીરો બક્ષીસ મળશે. મોટી અસ્વારી સાથે તે પીરને પગે લાગવા રાજા આવશે. બીજા ઘણા રાજા અને ધનવાન આદમીઓ દીકરાને સારું વળખાં મારે છે; ત્યાં ફાંફાં મારી ધુતાય એટલું ધુતી અહીં આવ્યા છો કેમ. મારી ગરીબ રઇઅતને ભમાવો છો, વળી માનવોને કહો છો હું સારો છું. બાઈ આદમીને તેના ધણીની રજા વિના અને એકલી વગડામાં લઈ જવી એ કિયા રાજની ને કિયા ધર્મની રીત ? તમને લાજ શરમ લાગતી નથી? તમારા વેશની ગેરઆબરૂ તમે કરો છો. તારી પોતાની કબુલાતથી જ તું ગુનેગાર ઠર્યો છે. જો તું ફકીરને વેશે નહોત તો તને આજે ચૌટા વચ્ચે બાંધી ૫૧ ફટકા ઉઘાડા વાંસાપર મરાવત, ને ગધાડે બેસાડી અડધું મોઢું કાળું કરીને આખા ગામમાં ફેરવત, ને ત્રણ વરસ કેદમાં રાખત, પણ તું સાંઈ છે તેથી પાંચ હજાર રૂપીઆ ડંડ કરું છું, ને મારા અમલની હદ બહાર કાઢું છું, જો ફરીને આ કસબામાં કે મારા તાબાના મુલકમાં આવીશ તો માર્યો જઈશ, જાઓ સિપાઈ એ હરામખોરને દેશપાર કરો, ને એનો બધો માલ જપત કરો.

વીજીઆનંદ – સાહેબ મારી ખરાબી થઈ, હવે હું લોકમાં મોહો શું બતાવીશ; જ્ઞાતિના લોક હરકત લેશે, કેટલો ખરચ થશે ત્યારે એ સ્ત્રી પંગતમાં પાછી દાખલ થશે, માટે મને કાંઈ અપાવવાનો હુકમ કરો તો સારું, નહિતર હું ગરીબ માણસ વગર લેવ-દેવે માર્યો જઈશ. મારી રજા વગર એ ગઈ હતી. એ સાંઇ કને ન અપાવો તો મને ખરચ થાય તે મારા સાસુ સસરા આપે.

પઠાણ - તમારા સાસુ સસરા આપે કે નહીં તે વાત તમારી જ્ઞાતિવાળાને કહેવી, હું તેમાં વચમાં નહીં પડું. તમારી વહુને વેળાસર સંતાન નહીં થયાં માટે તમે પોતે શા ઉપાય કર્યા.

વીજીઆનંદ – જી મેં એણે જેજે કહ્યું તે કર્યું, અમારા ધર્મ પ્રમાણે મુસલમાનને છાંયડે ઉભાં ન રહેવાય માટે એ કરવાની ના કહી હતી.

પઠાણ – ત્યારે એ ચંદાનો કે તેની મા માશીનો વાંક કાઢી શકતો નથી.