પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૭ મું.

પઠાણ અમીર ખાનદાનનો હતો, ને જ્યાં જ્યાં એણે અમલ કર્યો હતો ત્યાં ઈનસાફી ગણ્યો હતો. મોડાસામાં એ પાંચ વરસ થયાં કારભાર કરતો હતો. એનો બંદોબસ્ત એવો સારો હતો કે સઘળી રૈયત એના ઉપર રાજી હતી. એ વેળા દીલ્લીની ગાદીએ આલમગીર (ઔરંગજેબ) બાદશાહ હતો. ઇતિહાસ વાંચનાર જાણે છે કે તે ધર્માંધ, કપટી ને મહાદુષ્ટ, પણ ઘણો બુદ્ધિવાન પુરૂષ હતો; ને પાદશાહની અસર તેના બીજા અમલદારો ઉપર થાય તેમાં નવાઈ નહીં. તથાપિ મુસલમાન સરદારોમાં કેટલાક સદાચર્ણી, ને શહાણા આદમી હતા, ને તેઓ અકબર પાદશાહની સારી રાજ-રીતિ પસંદ કરતા, ને તે પ્રમાણે વર્તતા. એ પઠાણ એ પંક્તીમાંનો હતો, તે ચપળ, ચતુર, ઉદ્યોગી, શૂરો, દયાળુ, પ્રમાણિક ને સારા વિચારનો હતો. મુસલમાન લોક એને બહુ ચાહતા નહોતા, કેમ કે તે તેમની કેટલીક રસમો કબુલ રાખતો નહીં, ને તેમના જેવો વેહેમી નહતો. પરંતુ એના જેવા નિમકહલાલ ને સાચા જનો મોટા મોટા અધિકાર ઉપર હોત તો મુગલ વંશમાંથી પાદશાહી ઉતાવળી જાત નહીં.

મોડાસાના લોકને તેનાપર ભરોસો હતો, પરંતુ આ વખત તમને લગીરેક શક આવ્યો, સુંદરને હરિનંદે આંખો મીંચી જંગલીપણે બહુ જ મારી હતી તે તેમના જાણવામાં નહતું, સુંદરની રૂડી ચાલ, અને તેની વિપત્તિથી તેઓ અણવાકેફ હતા, ને ફકીર જોડે ગઈ તેથી તેઓએ તેને લુચ્ચી ધારી. વળી હરિનંદને કેદમાં મોકલ્યા પછી નાગરબ્રાહ્મણો પઠાણને અને સુંદરને વિષે જુઠી જુઠી વાતો ચલાવવા લાગ્યા. તેઓ કહે સુંદરને વાગ્યુએ નથી, ને માંદીએ નથી, એને તો તરકડી થઈ જવું છે, પઠાણ એને બહુ ગમ્યો છે, ને પઠાણ તેના ઉપર મોહીત થઈ ગયો છે, ને પરણવાનો છે, માટે આવો ઢોંગ કરે છે, હરિનંદને દુખ દઈ તેની પાસે એ વાતની હા કહેવડાવવી છે, બીજું કાંઈએ નથી. જ્ઞાતિની આબરૂ રાખવાને તેમણે બહુ જુઠાણું ચલાવ્યું.

એથી સુંદરની અને પઠાણની ઘણી જ નિંદા થવા લાગી. થોડાનું ઘણું થઈ ગયું. એકે કાળું નાંખ્યું તે બીજાએ જોયું, ને ત્રીજા આગળ કહ્યું, અલ્યા પેલાએ કાગડા જેવું કાળું નાંખ્યું. ત્રીજાએ ચોથે ઠેકાણે વાત કરી કે એક મનીસે કાગડો ઓક્યો, એમ વાત ચાલતાં સાત કાગડા ઓક્યાની વાત ચાલી. તેની પેઠે અહીં પણ થયું. ગામમાં અનેક તરેહની ગપ્પો ચાલી રહી, ને દહાડા ગયા તેમ તેમ મોટી થઈ.