પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૧૯
 

નાગરે તેને પોતાની દીકરી પરણાવી. આગળ જતાં એ બાઈને એક છોકરોને એક છોકરી થઈ. એ બાળકો નિત્ય બારણે જઈ સુપડામાં ધુળ ભરી ઢેડ લોકોની પેઠે ઝાડકે, ને બીજાં ઢેડના કામ કરવાની રૂચી બતલાવે તે પરથી એમની માયે પોતાના વરને પુછ્યું કે એનું કારણ શું ત્યારે તે આદમીએ પોતાની ખરી જાત કહી. બાઇએ પીએર જઈને વાત કરી, ને ત્યાંથી આખી જ્ઞાતિમાં જાણ થયું. નાગરી નાતમાં ખળભળાટ થઈ રહ્યો. પેલો ઢેડ નાશી ગયો, ને તેની વહુ પોતાના બે છોકરાં સાથે પીપળાના લાકડાંમાં બળી મુઈ. બળતી વખતે જ્ઞાતીના લોકે વચન આપ્યું હતું કે અમે તારી યાદગારી રાખીશું તે પરથી એનું ચિત્ર પૂજે છે. એ પરથી કેટલાક અદેખા ને અજ્ઞાની લોક કહેતા હતા કે નાગરની ગોતરજ એટલે કુળ-દેવી ઢેયડી છે. તેઓ હવે કહેવા લાગ્યા કે ઢેડ જમાઇથી પઠાણ જમાઈ સારો. નાગરો એ સાંભળી ઘણા ખીજવાતા ને ખેદ પામતા.

કેટલાક માણસો ધારે છે કે એ વખતથી (ઢેડ પરણ્યો ત્યારથી) ગુજરાતના બીજા બ્રાહ્મણોએ નાગર બ્રાહ્મણને પંગતી બહાર મુક્યા. ને કેટલાક ધારે છે કે જ્યારથી નાગર ગૃહસ્થો, શાસ્ત્રમાં યાવની ભાષા બોલવાની મના છતાં, ફારસી અને અરબી બોલીઓ શિખ્યા, ને મુસલમાનોની ચાકરીમાં પેઠા ત્યારથી તેમને બીજી જ્ઞાતિના બ્રાહ્મણો જોડે ટંટો થયો, ને તેઓને જુદા કાઢ્યા; પણ તેઓ (નાગરો) રાજકારભારમાં મોટી પદવીએ પોહોંચ્યા ને તેથી વધારે ધનવાન, ને સત્તાવાન થયા, ને પોતાના બળને પ્રતાપે કરી બીજા બ્રાહ્મણોને નમાવ્યા; નમાવ્યા તે એટલે સુધી કે બધું ચકર ફરી ગયું, તળેના ઉપર આવ્યા ને ઉપરવાળા નીચે ગયા, ને હાલ આપણે જોઈએ છીએ તેવું થઈ ગયું. ઘણાં વરસ થઈ ગયાં એટલે દ્વેષ ઓછો થઈ ગયો છે, પરંતુ હજીએ કેટલાક સમજુને વિદ્વાન બ્રાહ્મણો શૂદ્રની પેઠે પંગતી બહાર દૂર બેસી નાગરબ્રાહ્મણને ઘેર જમવામાં લાજ માને છે, કેટલાક જતા પણ નથી. એ મતના બ્રાહ્મણોનું આ ચંદા સુંદરનો વરઘોડો ચડ્યો તે વારે ચડી વાગ્યું. તેઓ નાગરબ્રાહ્મણોને ચોરાસી બહાર મુંકી તેમનું પાણી નહીં પીવાનો ઠરાવ કરવાને ઉઠ્યા, પણ જબરા નાગરોની આગળ તેમનુ કાંઈ ચાલ્યું નહીં.

નાગરબ્રાહ્મણી પઠાણને ગઈ એ વાતનો ઉભાળો આખા ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવામાં બિચારી સુંદર તેના દઈત વરના મારે ઉત્પન્ન કરેલા રોગથી જે મહાકષ્ટ પામતી હતી તે થોડાનાજ જાણવામાં હતું. લોક ધારતા હતા કે તે પઠાણ જોડે સુખ વિલાસ ભોગવે છે, પણ તે તો અતિ પિડિત અને મરવાની તઇઆરીમાં હતી.