પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૨૧
 

છે તેનો રિપોટ આગલે દિવસે આવ્યો હતો તે ઈઆદ દેવાડી કહ્યું સાહેબ ઓરતને બહુ માર્યાને માટે એ બ્રાહ્મણને ડંડ કરી છોડી દેવો એવો મારો અભિપ્રાય છે. એ સમે મોતીચંદ પણ એક કાગળ ઉપર સહી કરાવવાને બહાને ત્યાં આવ્યો હતો તેણે પણ એજ સહલા આપી. પઠાણે એમના કહ્યા પ્રમાણે ન કરતાં પોતે જાતે તજવીજ કરીને જુઠાણું પકડી કાઢ્યું.

હકીમનું ઓસડ બંધ કર્યું, ને ગામમાં બે નામીચા વૈદ અચરતલાલ અને સુરજરામ કરીને હતા તેમને તેડાવ્યા. એમણે સુંદરનો ખરો રોગ પારખી પઠાણને કહ્યું સાહેબ કામ કઠણ છે, પરંતુ અમારી કને હુન્નર છે તેટલો ચલાવીશું, અમને બાઈ ઉપર બહુ દયા આવે છે.

સુંદરના મનમાંથી ઉદાસી કાઢી નાંખવાને પઠાણ વખતે વખતે તેની પાસે જઈ બેસે, ને તેની બેગમ તો દહાડો ને રાત તેની કનેથી ખસતી જ નહીં. બેહુજણા તેની સાથે મીઠે વચને બોલે, દિલાસો આપે, ને રમુજ વાતો કહે. રમુજે દિલપસન વગેરે ઉરદુ પુસ્તકોમાંની તથા ફારસી અને અરબી કિતાબોમાંની અને કોઈને મોઢે સાંભળેલી ખુશકારી પણ સુનીતિની વાતો કહી તેને ગમે એવું કરવાને મિથ્યા પ્રયત્ન કરે. વખતે જીવને જરા ચેન હોય ત્યારે મોહો મલકાવે. બીજી કાણીઓમાં સ્ત્રી ચરિત્રની એક વાત પઠાણે કહી, ને એક બેગમે કહી તેમાં એને રસ વધારે પડ્યો કેમકે તેમાં સ્ત્રી ચતુરાઈ અને સદાચરણ બંને ભળેલાં હતાં. સ્ત્રીના લુચ્ચાં કર્મને અને ડગલબાજીને લોક સ્ત્રી ચરિત્ર કહે છે, તેથી ઉલટું સાંભળી તે રાજી થઈ. બેગમ કહે –

"કોઈક સોદાગર એક સમે દેશ દેશનો સારામાં સારો તરેહ તરેહનો માલ લઈ દિલ્લી શહેરમાં આવ્યો, ને દિલ ખુશ મેહેલ નામે એક તોફે મકાન હતું તેમાં ઉતર્યો. એ મેહેલનું ભાડું મહિને રૂ ૧૦૦૦ હતું. પોતાના માલનો. થોડો થોડો નમુનો, અને કેટલાંક ભારે કીમતનાં રત્નો તેણે પાદશાહને નજર કર્યા. એ ભેટથી તથા સોદાગરનો હસમુખો ને ખૂબ સુરત ચેરો જોઈ તથા તેનું સુભાષણ સાંભળી પ્રસન થયો, ને ફરમાવ્યું કે તમારો મુકામ આ શહેરમાં રહે ત્યાંવેર હરરોજ અમારી પાસે આવવું. ધનવાન સોદાગર હમેશ દરબારમાં જાય. પાદશાહ તેનું સનમાન કરી પોતાની પાસે બેસાડે. સોદાગર અજબ જેવી વાતો કહી, તથા નવાઈની સુંદર વસ્તુઓ ભેટ કરી પાદશાહનો પ્યારો થતો જાય. એમ કરતાં એટલી દોસ્તી થઈ કે પાદશાહ તેના વિના પાણી ના પીએ, ને રાજકારભારમાં તેની સહલા પ્રમાણે વર્ત્તે. એથી કારભારીઓની સત્તા ઓછી થઈ ગઈ, ને તેઓ