પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૨૩
 

જરા શાંત થયો ત્યારે સ્ત્રીએ તેને કહ્યું કે જો તમે એ કામ મને સોંપો, મારા કહ્યા પ્રમાણે કરો, ને મારી બુદ્ધિ ને મારા પતિવ્રતાપણા ઉપર ભરોસો રાખો. તો હું તમને એ સંકટમાંથી ઉગારૂં, ને તમારા જે વેરીઓએ એ ખાડો ખોદ્યો છે તેમને જ એમાં નાંખું. સોદાગરને ખબર હતી કે એ બાઈ અકલમંદ અને સાચી છે. તેણે ઉત્તર આપ્યો કે તમારા પર મને સંપૂર્ણ વિસવાસ છે, ને આ કામમાં તમે બતાવશો તેમ કરીશ, ને તમને કરવા દઈશ. બાઈ કહે ત્યારે તમે બે દહાડા પછી એ જનાવરની ખોળ કરવાને મસે શહેરમાંથી જાઓ, ને પાંચ ગાઉપર મીરગામ છે. તેમાં ફકીરને વેશે સંતાઈ રોહો; કેટલાક દિવસ ત્યાં રહેવું પડશે; હું બોલાવા મોકલું તે વારે ઝટ સોદાગરને વેશે પાછા આવજો. સોદાગરે તેમ કર્યું.

દીવાન, કાજી, ને ફોજદાર તો બેહદ હરખાયા. તેમણે સાકર વેંહચી, પેંડા વેંહેચ્યા, પોતાના સોબતીઓને જીઆફતો આપી; ખુશામતીઆ માગણ લોકને સિરપાવ આપ્યા, ને ધામધુમ કરી મેલી. પેલી બાઈએ એવામાં બુમ ઉરાડી કે સોદાગર નાઉમેદ થઈ જતો રહ્યો છે, ને કહેતો ગયો છે કે જો મુદતસર એ જાનવરો જડશે તો પાછો આવીશ, ને નહીં જડે તો પેટમાં ખંજર મારી મરીશ. આ ખબર સાંભળી દીવાન-મંડળી બહુ જ ખુશી થઈ.

સોદાગરને ગયાને એક હપતો થયા કેડે તેની નારીએ પોતાના જરૂખામાં બેસવા માંડ્યું. ફક્ત કપાળ ને આંખ જણાય એટલું મુખ ઉઘાડું રાખે. ઘણાક લોક તેને જોવાને તે રસ્તે થઈને જાય. એક દિવસ દીવાન, કાજી, ને ફોજદાર પણ કાંઈ મસે તેણી તરફ આવ્યા. તેઓ કહેવા લાગ્યા કે જેનું કપાળ ને જેનાં નેત્ર આવાં સારાં છે તો તેનું તન કેવું રૂપાળું હશે. ફોજદાર કહે આપણે પુછાવીએ અંદર જવાની રજા મળે છે જોઈએ. બીજા બે કહે હા ઠીક છે. એક લુંડી બારણે ઊભી હતી તેની કને પોતાના એક નોકરને પુછવા મોકલ્યો. દાસીએ ઉપર જઈને બાઈને પુછયું. બાઇએ જવાબ કેવડાવ્યો કે દીવા થયા પછી વેશ બદલીને પાછલે બારણે આવજો.

સાંજ પડી એટલે ત્રણે ભાઈબંધો હોરાને વેશે ઠેરવેલી જગાએ ગયા. એક લુંડીએ તેમને ઘરમાં લીધા. બાઈએ રંધાવી મુક્યું હતું તે મંગાવ્યું. સેતરંજી ઉપર રૂપાના ખુમચામાં ભાત ભાતની ઉની ને ખુશબોદાર વાનીઓ મુકી પોતે પેલા ત્રણે જોડે જમવા બેઠી. ખુશીની વાતો કરતાં જમી રહી પાન સોપારી ખાઈ ચોપટની બાજી માંડી એવામાં દાશી ખબર લાવી કે ઘરધણી સોદાગર આવ્યા.