પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
सासुवहुनी लढाई
 

પાણીઆરા તરફ ગયા કે કાજી ઊઠી ઉભા થયા, ને પાણીના વાસણ ભડાભડ ઢળી ગયાં. પાદશાહ કહે એ શું ? કાજી હાથે પગે લાગતો માફી માંગે છે, ને કહે છે ધૂળ પડી મારી જઈફીમાં, મેં જખ મારી સાહેબ, મારો ગુનો માફ કરો. પાદશાહ કહે આ શું, જુવો તો પેલી કોઠી કેવી ધ્રૂજે છે. એમ કહી તે ઉઘાડી તો અંદર મનીશ બેઠેલું. કોઠી આડી પાડીને તેને માંહેથી ઘસડી કાઢ્યો, ને જુએ છે તો પોતાનો મોટો વજીર. પાદશાહને ડર લાગ્યો કે આ લોક મને મારવાને ભરાયા છે; તે કહે આ મારો કોટવાળ, આ ડોસો કાજી, આ વજીર, શો જુલમ, અલ્લામીઆં શો જુલમ. વજીર માફી માગી કહે આ એકવાર માફ કરોજી અમે ભૂલ્યા. પાદશાહ કહે આ શું થયું તે મને સમજાવો. એટલામાં ઘભરાતી ને મોટું ઉતરી ગયેલું એવી રાણી આવી, ને પાદશાહને કહે મારો ખાવિંદ આવ્યો. પાદશાહ કહે કોણ રાજા ? રજપૂતાણી કહે હાજી મહારાજ. તે રાતાને પીળા થતા આવ્યા છે, તેને પૂરી ખબર નથી, પણ કાંઈક તેણે જાણ્યું છે એના બારે સાથે નાગી તરવારે આવ્યા છે.

પાદશાહ વજીરને કહે કેમ મીઆં આપણે ચારે બીન હથીઆર, ને એના ઘરના ચોર છીએ. આગળ થનાર હશે તે થશે, પણ હાલતો એ આપણને કતલ કરશે ખરો.

રાણી – જુઓ મેં એક ઉપાય ધાર્યો છે, મારું માનો તો બચો ખરા. આ મોટો ચોફાળ છે એમાં તમારા ચારેની એક ગાંસડી બાંધી એક ખૂણામાં મૂકું. મારો ઘણી પૂછશે તો કહીશ કે ધોબીને આપવાનાં મેલાં લૂગડાં છે, ધોબણને વેશે મારા નપૂરો તમારી ગાંસડીને મહેલમાં પહોંચતી કરશે.

પાદશાહ કહે ઠીક છે. આવો ભાઈ જે બને તે ખરી. રજપૂતાણીએ ચારેને કસીને એક ગાંસડીમાં લુંડીઓ પાસે બંધાવ્યા. પછી તે ગાંસડીને ગાડામાં મેલી બેગમને ત્યાં મોકલી, ને કહેવડાવ્યું કે મારા સ્વામીએ મોટી લઢાઈ મારી તેમાંથી જે ભારેમાં ભારે દાગીના હાથ લાગ્યા છે તે આ ગાંસડીમાં છે, ને એ આપને નજર કર્યા છે; વાણે વાયે છોડી જોઈ પાદશાહને દેખાડજો, પ્રભાતે ગાંસડી છોડાવી બેગમો પારવિનાનું હશે. પાદશાહ વિગેરે એટલા શરમાઈ ગયા કે પોતાની ફજેતીની વાત કહે નહીં, ને બેગમો ફરી ફરીને પૂછે.

એમની ગાંસડી બંધાવી પેલી રજપૂતાણી પોતાનું જરીઆન લેઈ રાતોરાત નાઠી ને બીજી મજલ પર લશ્કરમાં પોતાના ધણીને જઈ મળી સર્વે હેવાલ કહ્યો.